ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે પ્રચાર શરૂ કરી દીધો છે. આ ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ભાજપના 20 સ્ટાર પ્રચારકોમાં અસંતુષ્ટ અલ્પેશ ઠાકોરને સ્થાન મળ્યું છે, જ્યારે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીની ફરીવાર બાદબાકી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેન્દ્રમાંથી માત્ર એક સ્મૃતિ ઈરાની જ ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવશે. એ ઉપરાંત આ યાદીમાં રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
20 સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્મૃતિ ઇરાનીનો સમાવેશ કરાયો
ભાજપે જાહેર કરેલી 20 સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્મૃતિ ઇરાનીનો સમાવેશ કરાયો છે. આ અગાઉ વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં પણ તેઓ સ્ટાર પ્રચારક હતાં અને પ્રચાર કર્યો હતો. વીસ સભ્યોની આ યાદીમાં ઇરાની સિવાય બાકીના તમામ સ્થાનિક નેતાઓ જ છે, જેમાં પાર્ટી પ્રમુખ સી આર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રીઓ પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવિયાનો સમાવેશ થાય છે. આ વીસ નેતાઓની યાદીમાં સૌથી છેલ્લું નામ અલ્પેશ ઠાકોર છે. ભાજપમાં હાલ સાવ નિષ્ક્રિય બની ચૂકેલા અલ્પેશ ભાજપના સ્ટાર ઠાકોરનેતા છે અને તેઓ ગઇ વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ આ યાદીમાં હતા.
સી.આર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ બદલાયા સમીલકરણો
મહત્વનું છે કે ભાજપે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદે સી.આર પાટીલ બન્યા બાદ અનેક સમીકરણો બદલાયા છે જેથી તેમની કામ કરવાની પદ્ધતિ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કામ કરવાની પદ્ધતિ બિલકુલ અલગ હોવાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર સહિતના યુવા નેતાઓને ભાજપ ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતારી રહી છે, જ્યારે પૂર્વ પ્રદેશ પ્રમુખ વાઘાણીને સ્ટાર પ્રચારકોમાં સ્થાન આપવામાં આવ્યું નથી.