જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) એ બુધવારે, નાણાંકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન) ના પરિણામો જાહેર કર્યા છે.
એસબીઆઈ એ એપ્રિલથી જૂન દરમિયાન 6,504 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં 4,189.34 કરોડ રૂપિયા હતું. બેંકનો નફો વાર્ષિક ધોરણે 55.25 ટકા વધ્યો છે. બેંકે, એક ક્વાર્ટરમાં પ્રથમ વખત રૂ .6,500 કરોડનો નફો કર્યો છે.
સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં બેંકની કુલ એકલ આવક વધીને રૂ. 77,347.17 કરોડ થઈ છે. જે એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં રૂ. 74,457.86 કરોડ હતી. એસબીઆઈ નો એનપીએ, જૂનના અંતમાં ઘટીને 5.32 ટકા થઈ ગઈ. જે ગયા વર્ષના જૂનના અંતે 5.44 ટકા હતી. એ જ રીતે બેન્કની ચોખ્ખી એનપીએ પણ જૂનમાં ઘટીને 1.7 ટકા થઈ હતી, જે એક વર્ષ અગાઉ 1.8 ટકા હતી.
આ ઉપરાંત, એકીકૃત ધોરણે સ્ટેટ બેન્કનો ચોખ્ખો નફો 55 ટકા વધીને રૂ. 7,379.91 કરોડ થયો છે. જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 4,776.50 કરોડ હતો. એ જ રીતે, એકીકૃત ધોરણે, કુલ આવક 87,984.33 કરોડથી વધીને 93,266.94 કરોડ થઈ છે. આ સમયગાળા દરમિયાન, બેન્કનો ઓપરેટિંગ નફો 5.06 ટકા વધીને રૂ. 18,975 કરોડ થયો છે. જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં રૂ. 18,061 કરોડ હતો.