અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના આંકડા સામે આવ્યા, સ્કૂલો બંધ હોવાથી ૫૪% બાળકોની મૌખિક અભિવ્યક્તિ પ્રભાવિત.ગયા વર્ષે માર્ચ મહિનામાં કોરોના મહામારીને ફેલાવાથી રોકવાના અગ્રિમ પગલાઓ પૈકી શિક્ષણ સંસ્થાઓને લૉકડાઉન લાગુ થયા પહેલા જ બંધ કરી દેવામાં આવ્યા હતા. કોરોના કેસોમાં ઘટાડો થતાં દેશના અનેક રાજ્યોમાં શૈક્ષણિક કાર્ય ધીમેધીમે પાટા પર ચઢી રહ્યું છે. પરંતુ લગભગ એક વર્ષ સુધી તો સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય ઠપ જેવું જ રહ્યું.
આ સમયગાળામાં બે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા ઓનલાઇન શિક્ષણ અને મોહલ્લા ક્લાસિસ. પરંતુ શાળાકીય શિક્ષણની તુલનામાં આ પ્રયાસો અપૂરતા સાબિત થયા છે. અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા અધ્યયનમાં સામે આવ્યું છે કે સ્કૂલો બંધ હોવા દરમિયાન બાળકોના શીખવાના સ્તરમાં ભારે નુકસાન થયું છે. અઝીમ પ્રેમજી યુનિવર્સિટીએ કોરોના મહામારી દરમિયાન બાળકોને શીખવાના સ્તરોમાં થયેલા નુકસાન પર એક અધ્યયન રિપોર્ટ રજૂ કર્યો છે.
કોવિડ-મહામારીના સમયમાં લગભગ એક વર્ષ સુધી સ્કૂલો બંધ રહેવાના કારણે બાળકોના શીખવાના સ્તર પર નકારાત્મક પ્રભાવ પડ્યો છે. શીખવાના સ્તરમાં થયેલા નુકસાનને બે પ્રકારે જાેવું જાેઈએ. એક તો ક્લાસના નિયમિત કોર્સને શીખવામાં થતું નુકસાન, જે સ્કૂલ ચાલુ રહી હોત તો ન થાત. બીજું નુકસાન એ છે કે બાળકો પહેલાના ધોરણમાં ભણેલું કૌશલ પણ ભુલવા લાગ્યા છે.
જાન્યુઆરી ૨૦૨૧માં અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન પાંચ રાજ્યોના ૪૪ જિલ્લામાં સરકારી સ્કૂલોના પ્રાયમરી ક્લાસના ૧૬,૦૬૭ બાળકોની સાથે કરવામાં આવેલા અધ્યયનમાં પહેલાના ધોરણમાં મેળવેલું જ્ઞાન કે કૌશલ ભૂલવા અને ધોરણના અપેક્ષિત સ્તરથી પાછળ પડવાના કારણે તેની વ્યાપકતાનો ખુલાસો થાય છે. આ અધ્યયનમાં જે સૌથી મહત્ત્વપૂર્ણ તથ્ય સામે આવ્યું છે તે એ છે કે ભાષા અને ગણિતમાં આ તમામ ધોરણોમાં ક્રમશઉ ૯૨ ટકા અને ૮૨ ટકા બાળકોને અગાઉના ધોરણમાં શીખેલા ઓછામાં ઓછા પાયાના કૌશલને ભૂલી ચૂક્યા છે.