સુરત, 06 ફેબ્રુઆરી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌ પ્રથમ રાજ્યની 6 મહાનગરપાલિકાને લઈને હાલ સમગ્ર રાજ્યમાં રાજકીય માહોલ પુરજોશમાં છે. દરેક રાજકીય પક્ષો દ્વારા મતદારોને આકર્ષવા ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા હોય છે.ત્યારે, સુરત શહેરના મતદારોને આકર્ષવા જો આમ આદમી પાર્ટી આ મનપાની ચૂંટણીમાં સત્તા પર આવે તો શહેરીજનો માટે વિવિધ પ્રકારની સુવિધા આપવાની 9 મુદ્દાની ગેરેંટી આપતું ગેરેંટી કાર્ડ રજૂ કર્યું છે.
આપ દ્વારા શનિવારે સાંજે આયોજિત પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ સંજયસિંહે જણાવ્યું હતું કે અમારી પાર્ટી ફક્ત વાયદો આપવામાં માનતી નથી. પરંતુ, લોકોના કામ કરવાની ગેરેંટી આપે છે. આજે આપની દિલ્હીની સરકારે જે કામ કર્યું છે તે સૌ કોઈ જાણે છે. આ દિલ્હી મોડેલની થીમ પર જ અમે સમગ્ર દેશમાં લોકોને સુવિધા આપવા ઈચ્છીએ છીએ.તેમણે જણાવ્યું હતું કે સુરત મનપામાં આપ સત્તા પર આવે તો કોર્પોરેશનની સ્કૂલોનું આધુનિકરણ, કોર્પોરેશન સંચાલિત પોલિટેક્નિક કોલેજ, સુરતના દરેક વોર્ડમાં ક્લિનિક ઓન વ્હીલની સેવા લોકોને આપીશું. સુરતમાં ઘરવેરો અડધો કરીશું, પાણીવેરો નાબૂદ કરીશું, પાણીના મીટર દૂર કરવાની ખાતરી આપી હતી.હોકર્સ માટે અલગ ઝોન, મનપાની બસોમાં મહિલાઓ, વિદ્યાર્થીઓ, વિકલાંગોને ફ્રી મુસાફરી આપવાની જાહેરાત કરી હતી. જે મકાનની ઈમ્પૅક્ટ ફી ભરાઈ ગઈ હોય તેને રેગ્યુલરાઈઝ કરવાની, મનપાની તમામ મિટિંગો ફેસબુક , યુ ટ્યુબ પર લાઈવ કરવાની પણ ખાતરી આપી હતી.આ મુદ્દાઓની સાથે સાથે અન્ય પ્રજાકીય સુવિધાલક્ષી મુદ્દાઓ પણ તેમણે રજૂ કર્યાં હતા. તેમજ કેન્દ્ર સરકાર પર આકાર પ્રહારો કરી કૃષિ વિધેયકને કાળો કાયદો ગણાવી તેને રદ કરવાની માંગ કરી હતી તેમજ તેમનો પક્ષ ખેડૂતોની સાથે છે તેમ પણ જણાવ્યું હતું.