સંસદમાં મંજુર કરવામાં આવેલા 3 કૃષિ વિધેયકના વિરોધમાં ખેડૂતો અને વિવિધ સંગઠનો દ્વારા 8મી ડિસેમ્બર મંગળવારના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. દેશના અન્ય ભાગોની સરખામણીમાં ગુજરાતમાં આ બંધની હાલ છૂટી છવાઈ અસર જોવા મળી રહી છે ત્યારે ડાયમંડનગરી સુરતના વિવિધ વિસ્તારોમાં આજે સવારથી મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. શહેરના ઉધના, વરાછા,પુણા જેવા વિસ્તારોમાં બંધની વધુ અસર જોવા મળી છે. જયારે અન્ય વિસ્તારોમાં બંધની નહિવત અસર વચ્ચે જનજીવન રાબેતા મુજબ જોવા મળી રહ્યું છે. સવારથી જ શહેરના ઉધના, વરાછા,પુણા તેમજ સહારા દરવાજા નજીક આવેલી એપીએમસી માર્કેટ તેમજ માન દરવાજા સહિતના વિસ્તારોમાં બંધ કરવાની ફરજ પાડી રહેલા કોંગ્રેસ તેમજ અન્ય પક્ષોના અગ્રણીઓ સહિતના કુલ 70થી વધુ લોકોને પોલીસે ડિટેઇન કર્યા છે. શહેરનાવરાછા વિસ્તારમાં આવેલી મિની બજારમા બંધને સમર્થન જોવા મળ્યું હતું.બીજી તરફ ખેડૂત સમાજ ગુજરાત પ્રમુખ જયેશ પટેલને તેમના નિવાસસ્થાનેથી રાત્રે જ ડિટેઇન કરી લેવાયા હતા.ભારત બંધ ના એલાન ના પગલે ચોકસી હીરા બજારમાં બંધની અસર જોવા મળી હતી.ચોકસી બજારમાં ભારત બંધ પાળવા અપીલ નોટિસ બોર્ડ પર જોવા મળી હતી.શહેરના પુણા વિસ્તાર તેમજ હિરાબજારમાં સજ્જડ બંધ જોવા મળ્યું હતું.
ભારત બંધના એલાનના પગલે શહેરના સહારા દરવાજા પાસે આવેલી એ.પી.એમ.સી માર્કેટ પર પોલીસ નો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.એ.પી.એમ સી. માર્કેટ ખાતે ખેડૂત અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા વિરોધ પક્ષના નેતા સહિત તમામની પોલીસે અટકાયત કરી હતી.શહેરમાં ખેડૂત સમાજ, ટેક્સટાઈલ ટ્રાન્સપોર્ટ અને લેબરોએ બંધને સમર્થન કર્યું હતું.આ બંધન સમર્થન માં ઠેર ઠેર નીકળેલા કોંગ્રેસના આગેવાનોમાં મહિલાઓની પણ સંખ્યા સારી જોવા મળી હતી.જોકે, વિરોધ કરી રહેલા તમામ આગેવાનો સાથે પોલીસે કડક હાથે કામ લઈને તમામને ડિટેઇન કરી લીધા હતા. શહેરની એપીએમસી માર્કેટ પાસેથી આગેવાનોની અટકાયત બાદ માર્કેટમાં આ લઁકાહૈં રહ્યું છે ત્યારે કામ પૂર્વવત થયેલું જોવા મળ્યું હતું.શહેરના રિંગ રોડ પર આવેલી આદર્શ ટેક્સટાઈલ માર્કેટ પાસે કોંગ્રેસના આફેવનો બેનર લઈને રોડ પર બેસી ગયા હતા મહિલાઓએ બેનર સાથે રોડ પર બેસી જઈને રોડ બ્લોક કરતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે, બાદમાં તેઓની અટકાયત કરતા રસ્તો ખુલ્લો થયો હતો.એપીએમસીથી પુણા પોલીસે 17, ડિંડોલી, ઉધના, લિંબાયત, ઉધના વરાછા અને સરથાણા વિસ્તારમાંથી ડિટેઈનની કામગીરી કરાઈ છે.70 જેટલા લોકોને ડિટેઈન કરાયા છે. ગેરકાયદે બંધ કરાવવા નીકળેલા વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જયારે સુરતના કીમ-સાયણમાં વિવિધ આગેવાનોએ દુકાને-દુકાને ફરીને વેપારીને ફૂલ આપીને ભારત બંધના એલાનને સહયોગ આપવા નવતર પ્રયોગ દ્વારા અપીલ કરી હતી. આમ,એકંદરે સુરત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ બંધની કોઈ ખાસ અસર જોવા મળી ન હતી. સુરત શહેરના છુટા છવાયા અમુક વિસ્તારોને બાદ કરતા તમામ વિસ્તારોમાં જનજીવન રાબેતા મુજબ જોવા મળ્યું હતું.માર્ગો પર ટ્રાફિક રૂટિન જોવા મળ્યો હતો તેમજ બજારો પણ નિયમિત રીતે ખુલ્લી હતી અને વેપાર પણ દૈનિક ગતિવિધિ મુજબ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળો પર પણ આ બંધની કોઈ વ્યાપક અસર ન થઇ હોવાની જાણકારી મળી રહી છે.