સુરત, 06 ફેબ્રુઆરી: સુરત મનપાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે ત્યારે, આ વખતે સુરત શહેર કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની ટીકીટ ફાળવણીમાં નર્યો સગાવાદ ચલાવ્યો હોવાના આક્ષેપ સાથે સુરત શહેર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શંભુભાઈ પ્રજાપતિ મક્કાઇપુલ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે અનશન પર બેસી ગયા છે. તેમના આ અનશન પૂર્વે જ રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડ કરતા સુરત શહેરમાં કોંગ્રેસની સ્થિતિ કેવી છે તેનું વાસ્તવિક પ્રતિંબિંબ જોવા મળ્યું છે.
ગત મનપાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનનો લાભ કોંગ્રેસને મળતા 36 બેઠકો પર વિજય થયો હતો.ત્યારે, આ ચૂંટણીમાં કોંગ્રેસ બેવડી તાકાતથી મુખ્ય શાસકપક્ષ બીજેપીને ફાઇટ આપશે તેવું માનવામાં આવતું હતું.પરંતુ,સુરત શહેર કોંગ્રેસમાં રહેલા આંતરીક વિખવાદના પગલે સ્થિતિ એવી ઉભી થઇ છે કે ફોર્મ ભરવાના અંતિમ દિવસે પણ કોંગ્રેસ તેના ઉમેદવારોની યાદી જાહેર કરી શક્યું ન હતું. પક્ષના ઉમેદવારોને સીધા જ મેન્ડેટ આપવા પડ્યા હતા.ટીકીટની ફાળવણીમાં પણ ભારે વિવાદ થયો છે. કોંગ્રેસ આ વખતે સબળ રીતે ઉભી થાય તેવા સંજોગો હતા.પરંતુ, જો હુકમી ચલાવનારા લોકોના હાથમાં કોંગ્રેસ હોઈને આ તકનો લાભ લઈ શક્યા નથી. કોંગ્રેસમાં રહેલા આંતરિક વિખવાદનો સીધો લાભ આ વખતની ચૂંટણીમાં બીજેપી અને અન્ય પક્ષોને મળે તો નવાઈ નહીં. એક સમયે સબળ વિપક્ષની ભૂમિકામાં કોંગ્રેસ આ ચૂંટણીમાં ઉભરશે તેવું લાગી રહ્યું હતું.પરંતુ, કોંગ્રેસની કથળેલી સ્થિતિના કારણે આ વખતની ચૂંટણીમાં પક્ષનો રકાસ થાય તો પણ આશ્ચર્યજનક નહીં કહેવાય….