સુરતમાં કોંગ્રેસની જાહેર સભા માટે આવેલા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલથી પાસના યુવાનોએ અંતર બનાવી રાખ્યું હતું. સુરતમાં હાર્દિક પટેલ આવે ત્યારે સેંકડો યુવાનો તેના પડછાયાની જેમ રહેતાં હતા. તે પાટીદાર યુવાનો ગઈકાલે ગાયબ જોવા મળ્યા હતા.
સુરત મ્યુનિ.ની ચુંટણીમાં ટિકિટ વહેચણી મુદ્દે કોંગ્રેસ-પાસ વચ્ચે પડેલી મડાંગાંઠ મુદ્દે હાર્દિક પટેલે રાજકીય જવાબ આપી કહ્યું હતું કેટલીક ભુલ પાસની છે અને કેટલીક કોંગ્રેસની પણ ભુલ છે તેનો સત્વરે નિવેડો આવી જશે. પરંતુ પાસ કોંગ્રેસ સાથે છે કે નહીં તેનો સ્પષ્ટ જવાબ હાર્દિક પટેલ આપી શક્યા ન હતા. આટલું જ નહીં પરંતુ હાર્દિક પટેલે પાસ અને જનતાને એક ગણાવી હતી તે સુરતમા ચર્ચાનો વિષય બન્યો છે.
2015માં સુરતમાં પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું ત્યારે હાર્દિક પટેલ સુરત આવતો ત્યારે હજારો પાટીદાર યુવાનો વચ્ચે સતત ઘેરાયેલો રહેતો હતો. હાર્દિક પટેલની સુરત એન્ટ્રી થતાની સાથે જ સેંકડો પાટીદાર યુવાનો હાર્દિક પટેલના પડછાયાની જેમ તેની સાથે સતત રહેતાં હતા પરંતુ હાર્દિક પટેલ અનામત આંદોલનના નેતાથી કોંગ્રેસના નેતા તરીકે છલાંગ મારી ત્યાર બાદ સુરતમાં હાર્દિક પટેલની લોકપ્રિયતામાં ઓટ આવી છે તેનું કારણ કોંગ્રેસની ટિકિટ ફાળવણી છે.
2021 સુરત મ્યુનિ. ચુંટણી માટે ટિકિટ ફાળવણીમાં પાસ-કોંગ્રેસ વચ્ચે ડખો થયો છે તેની અસર સીધી ચુંટણી પ્રચારમાં જોવા મળી રહી છે. એક સમયે જ્યાં પાટીદારનો દબદબાના કારણે કોંગ્રેસે પાટીદાર વિસ્તારમાં 23 બેઠકો કબ્જે કરી હતી ત્યાં પ્રચાર માટે ફાંફા પડી રહ્યાં છે. પાસના યુવાનોએ આપેલી ધમકીના કારણે અત્યાર સુધી કોંગ્રેસ પાટીદાર વિસ્તારમાં મોટી સભા કરવાનું ટાળી રહ્યું છે. પાસે આપેલી ચીમકી ત્યાં સુધી અસર કરી ગઈ છે કે કોંગ્રેસે પાટીદાર વિસ્તારમાં હાર્દિક પટેલની સભા કરવાની પણ હજી સુધી હિંમત કરી નથી.
કોંગ્રેસે ગઈકાલે કતારગામ વિસ્તારમાં પરિવર્તન સભાના નામે ચુંટણી સભા કરી હતી જેમા હાર્દિક પટેલ આવ્યા હતા પરંતુ એકલા અટુલા જોવા દેખાતા હતા. પહેલાં જેટલા લોકો હાર્દિક પટેલની આસપાસ જેટલા યુવાનો રહેતાં હતા તેના કરતાં ઓછા લોકોની સભા હાર્દિક પટેલે સંબોધી હતી.
આ અંગે હાર્દિક પટેલને પુછતાં તેઓએ રાજકીય જવાબ આપતાં કહ્યું હતું કે, કેટલાક અંશે પાસ સાચી છે અને કેટલાક અંશે કોંગ્રસની સાચી છે, મોટો પરિવાર છે તો નાના મોટા ઈસ્યુ થતાં હોય છે. મારે પણ ચર્ચા થઈ રહી છે અને સુરતને સારૂ નેતૃત્વ મળે તે માટેના પ્રયાસ થઈ રહ્યાં છે.
પાસ કોંગ્રેસને સમર્થન કરશે કે નહીં તેનો સીધો જવાબ હાર્દિક પટેલ આપી શક્યા ન હતા. તેઓએ કહ્યું હતું કે જનતા કોંગ્રેસની સાથે રહેશે અને કોંગ્રેસને વિજય બનાવશે અને પાસમાં પણ જનતા જ આવે છે તેમ કહ્યું હતું. એક સમયે પાસ હાર્દિક પટેલ માટે પહેલી પસંદ હતી પરંતુ રાજકારણમાં આવ્યા બાદ પાસ અને જનતા એક બની ગઈ છે. હાર્દિક પટેલનું આ નિવેદન લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.