પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા, નેતાજી સુભાષચંદ્ર બોઝ ને પોતાના કહેડાવવા માટે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય યુદ્ધ ચાલી રહ્યું છે. આજે તેમની જન્મજયંતિ છે અને આ પ્રસંગે દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા “પરાક્રમ દિવસ” મનાવવામાં આવી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રસંગે કોલકતામાં હશે. આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ અનેક કાર્યક્રમોની જાહેરાત કરી છે. શનિવારે તેમણે સમગ્ર રાજ્યના લોકોને નેતાજી જયંતિ નિમિત્તે બપોરે 12: 15 વાગ્યે શંખ વાગાડવા હાકલ કરી છે. તે જ સમયે, મમતા બેનર્જીએ કહ્યું છે કે, નેતાજી સુભાષચંદ્ર બોઝ તમામ લોકોની એકતામાં પ્રબળ વિશ્વાસ રાખે છે. શનિવારે સવારે મમતાએ ત્રણ ટ્વિટ કર્યા છે.
તેમાં તેમણે લખ્યું છે કે, “આજે દેશનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની 125 મી જન્મજયંતિ પર પ્રેમ-પૂર્વક શ્રદ્ધાંજલિ આપી રહી છું. તેઓ એક સાચા અર્થ ના નેતા હતા અને લોકોની એકતામાં દ્રઢ વિશ્વાસ રાખતા હતા. પશ્ચિમ બંગાળ સરકાર આ દિવસે દેશનાયક દિવસની ઉજવણી કરી રહી છે. ”
મમતા બેનર્જીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળ સરકારે 23 જાન્યુઆરી 2022 સુધી આખા વર્ષ દરમ્યાન નેતાજીને કેન્દ્રિત કાર્યક્રમ યોજવા માટે વિશેષ સમિતિની રચના કરી છે. આ ઉપરાંત રાજરહાટ માં નેતાજી સુભાષચંદ્ર બોઝ નું આઝાદ હિન્દ ફૌજ ના નામે એક મેમોરેન્ડમ બનાવવામાં આવશે. નેતાજીના નામની યુનિવર્સિટીની સ્થાપના પણ કરવામાં આવશે, જેને રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવશે અને તેનું જોડાણ વિદેશી યુનિવર્સિટીઓ સાથે હશે.
ત્રીજા ટ્વીટમાં મમતા બેનર્જીએ લખ્યું કે, “આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડ, કોલકતા માં નેતાજીના નામે સમર્પિત કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આજે બપોરે 12: 15 વાગ્યે સાયરન વગાડવામાં આવશે. હું રાજ્યભરના લોકોને અપીલ કરૂ છું કે, આ સમય દરમિયાન, તમારા પોતાના ઘરોમાં શંખનાદ કરો.” આ સાથે, મમતાએ પોતાના છેલ્લા ટવીટમાં ફરી એકવાર નેતાજી જયંતિને રાષ્ટ્રીય રજા જાહેર કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે, કેન્દ્ર સરકારે 23 જાન્યુઆરીએ રાષ્ટ્રીય રજા જાહેર કરવી જોઈએ.
નોંધનીય છે કે, વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે પશ્ચિમ બંગાળમાં રાજકીય પક્ષો વચ્ચે મહા પુરુષોને પોતાનાં બનાવવાની હરીફાઈ ચાલી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ બાદ, બંગાળના કોંગ્રેસ પ્રભારી જીતીન પ્રસાદે પણ એક દિવસ પહેલા જ કહ્યું છે કે, કોંગ્રેસ સત્તામાં આવશે ત્યારે નેતાજીની સૌથી ઉંચી પ્રતિમા બનાવશે.