સુપ્રીમ કોર્ટે આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ફ્યુચર્સ ગ્રુપ વચ્ચેની ડીલ ઉપર સ્ટે લગાવ્યા બાદ મુકેશને મોટો ફટકો પડ્યો છે. રિયલ ટાઈમમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં રૂ. 3366 કરોડ (454 મિલિયન ડોલર)નો ઘટાડો થયો છે.જેની સામે આ ડીલ સામે વાંધો ઉઠાવનાર અગ્રણી ઇ-કોમર્સ કંપની અમેરિકાની અમેઝોનના સ્થાપક જેફ બેજોસની નેટવર્થ ફોર્બ્સના રિયલ ટાઈમ ડેટા મુજબ રૂ. 8158 કરોડ (1.1 અબજ ડોલર) જેટલી વધી છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના આંકડા મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ. 27,000 કરોડથી પણ વધારેનું નુકસાન થયું છે. 5 ઓગસ્ટે RILનું માર્કેટ કેપ રૂ. 13.52 લાખ કરોડ હતું જે આજે 6 ઓગસ્ટે બપોરે 1 વાગ્યે રૂ. 13.25 લાખ કરોડ પર પહોંચ્યું હતું. રિલાયન્સના સ્ટોકમાં ઘટાડો ચાલુ રહેશે તો આ ઘટાડો વધીને રૂ. 30,000 કરોડ થઈ શકે છે તેમ જાણકારોનું માનવું છે.
ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટ મુજબ રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થ રૂ. 5.91 લાખ કરોડ (79.8 અબજ ડોલર) છે. હાલમાં મુકેશ અંબાણી વિશ્વના 12માં સૌથી વધુ ધનવાન વ્યક્તિ છે. તેની સામે અમેઝોનના જેફ બેજોસ દુનિયાના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ છે. તેની આજના દિવસમાં તેમની સંપત્તિ રૂ. 14.45 લાખ કરોડ (194.9 અબજ ડોલર) છે. આ હિસાબે જેફ બેજોસની નેટવર્થ મુકેશ અંબાણી કરતાં લગભગ અઢી ગણી વધુ છે.
ડીલ પર સ્ટે મુકાયાના સમાચારો આવ્યા ત્યારથી જ રિલાયન્સના શેરમાં વેચવાલી જોવા મળી રહી છે. રિલાયન્સનો શેર આજે 2125.20 પર ખૂલ્યા બાદ ઘટીને આ લખાય છે ત્યારે બપોરે 1:20 કલાકે શેર રૂ. 40.45 ઘટીને રૂ. 2092.85 પર ટ્રેડ થઈ રહ્યો છે.