ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૯૮માં બનાસકાંઠામાં ખોટો નાર્કોટિક્સ કેસ ઊભો કરવાના આરોપમાં જેલમાં બંધ પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટે પાલનપુરની સ્પેશિયલ ટ્રાયલ કોર્ટે ગત માર્ચમાં આપેલા વિવિધ આદેશોને હાઇકોર્ટમાં રિવિઝન અરજી દ્વારા પડકાર્યો હતો. તાજેતરમાં મળતા અહેવાલો મુજબ હાઇકોર્ટના જસ્ટિસ ઇલેશ વોરાએ આ અરજીને ફગાવી કાઢી છે.હાઇકોર્ટે નોંધ્યું છે કે,‘નીચલી અદાલત દ્વારા કરવામાં આવેલા આદેશમાં તથ્યો કે કાયદાની દૃષ્ટિએ કોઇ પણ ભૂલ જણાતી નથી. તેથી તેમાં હસ્તક્ષેપ કરવાનું હાઇકોર્ટ યોગ્ય ગણતી નથી અને અરજદારની અરજીને રદ કરવામાં આવે છે.’
આમ જણાવી હાઇકોર્ટે સંજીવ ભટ્ટની રિવિઝન અરજી ફગાવી દીધી છે.
ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારની રજૂઆતને ધ્યાનમાં લેતાં નોંધ્યું હતું કે,‘અરજદાર દ્વારા તથ્યોને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેઓ પૂર્વ આઇપીએસ અધિકારી છે અને રાજ્યની નીચલી અદાલતો ઉપરાંત હાઇકોર્ટ સમક્ષ પણ તેમની સામે અને તેમના દ્વારા વિવિધ અરજીઓ કરવામાં આવેલી છે. પ્રસ્તુત કેસમાં નાર્કોટિક્સના કાયદા હેઠળનો વિવાદ છે અને તે અંતિમ તબક્કે હોવા છતાંય હાઇકોર્ટ સમક્ષ આવીને તેમણે અરજી કરી છે.’ સરકારની રજૂઆત હતી કે, સંજીવ ભટ્ટે કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો છે.સરકારની રજૂઆત બાદ હાઇકોર્ટના નિરીક્ષણને અંતે હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો છે.
પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટે હાઇકોર્ટમાં રિવિઝન અરજી કરી પાલનપુરની ટ્રાયલ કોર્ટે આપેલા વિવિધ ચુકાદાઓ અને આદેશને હાઇકોર્ટમાં પડકાર્યા હતો. જે તે સમયે તેમના તાબાના અધિકારી ડી.વાય.એસ.પી. આઇ.બી. વ્યાસને વિનંતી માની તેમને સરકારી સાક્ષી બનાવવાના કોર્ટને નિર્ણયને પડકારાયો છે. આ ઉપરાંત ભટ્ટ સહિતના ૧૫ આરોપીઓ પરના દોષારોપણને પડકારવામાં આવ્યું છે. આ ઉપરાંત ભટ્ટ સામે ફ્રેમ થયેલા ચાર્જમાં ફેરફાર કરવાના કોર્ટના નિર્ણય સામે પણ હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. સંજીવ ભટ્ટ ૧૯૯૮માં બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા હતા ત્યારે ખોટો નાર્કોટિક્સ કેસ ઊભો કરવાના કેસમાં તેમની સામે ફરિયાદ નોંધાઇ હતી અને આ કેસમાં અત્યારે તેઓ પાલનપુર જેલમાં બંધ છે.