વિશ્વનું સૌથી ઠંડુ ક્ષેત્ર પણ હવે ઠંડુ નથી રહ્યું અને ત્યાં પણ મહત્તમ તાપમાનનો રેકોર્ડ તૂટી રહ્યો છે. આર્કટિક ખાતે મહત્તમ તાપમાનનો રેકોર્ડ ૩૮ ડિગ્રી સેલ્સિયસ છે જે ગત વર્ષે જૂન મહિનામાં નોંધાયુ હતું.
સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન (ડબલ્યુએમઓ) દ્વારા તાજેતરમાં આ અંગેની પૃષ્ટિ કરવામાં આવી છે. ડબલ્યુએમઓના કહેવા પ્રમાણે આ જળવાયુ પરિવર્તનને લઈ વાગી રહેલી ખતરાની ઘંટડી છે.
ડબલ્યુએમઓના નિવેદન પ્રમાણે ગત વર્ષે જૂન મહિનામાં સાઈબેરિયાના વર્ખોયાન્સ્ક ખાતે પારો મહત્તમ ૩૮ ડિગ્રી સેલ્સિયસે પહોંચી ગયો હતો. તે ત્યાં ચાલી રહેલા હીટવેવનું ઉચ્ચતમ સ્તર હતું.
સમગ્ર વિસ્તારમાં ગરમીનો પારો સરેરાશ કરતા ૧૦ ડિગ્રી સેલ્સિયસ ઉંચો ચાલી રહ્યો હતો. આ એક એવી ઘટના છે જે સમગ્ર વિસ્તારની ઠંડકને ખતમ કરી નાખશે. અહીંની ઈકોસિસ્ટમ ખતમ થઈ જશે. વધી રહેલી ગરમીના કારણે લોકો, જીવ-જંતુઓની મુશ્કેલી વધી જશે.
ડબલ્યુએમઓના સેક્રેટરી જનરલ પેટેરી તાલસના કહેવા પ્રમાણે આ બધું જળવાયુ પરિવર્તનના કારણે બની રહ્યું છે. આપણે તાત્કાલિક કશુંક કરવું જાેઈએ નહીં તો જાેખમની આવી અનેક ઘંટડીઓ વાગવા લાગશે. જાે ધરતીના કોઈ એક હિસ્સાનું તાપમાન બદલાય તો સમગ્ર વિશ્વ પર તેની અસર પડે છે. માટે જાે આર્કટિકનું તાપમાન આ જ રીતે વધતું રહ્યું તો અહીંના લોકોની જીવનશૈલી બદલાશે, બીમારીઓ આવશે, રોજગાર જતા રહેશે અને ખબર નહીં બીજી કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડશે.