જો તમે સોશ્યલ મીડિયા નો ઉપયોગ કરતા હોય અને કોઈ ચિલબૂલી લલચાવે તો ચેતી જજો કેમકે ક્યાંક તમને ફસાવી પૈસા પડાવી શકે છે.
વિગતો મુજબ અમદાવાદ ના કૃષ્ણનગરમાં રહેતા 52 વર્ષીય આધેડને યુકેની મિન્ડા વિલફ્રેડ નામની યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ત્યાર બાદ બંને વચ્ચે ચેટિંગ થતી રહેતી હતી. મિન્ડાએ ઇંગ્લેન્ડની કાર્નિવલ શિપિંગ કંપનીમાં કેપ્ટનની નોકરી કરતી હોવાનું કહી વિશ્વાસ કેળવ્યો હતો. તેણે કહ્યું હતું કે, હું એક ગિફ્ટ પાર્સલ મોકલું છું, જેમાં લેપટોપ, મોબાઇલ, કપડાં, જ્વેલરી જેવો સામાન છે. બીજા દિવસે આધેડ પર મહિલાનો ફોન આવ્યો હતો, જેમાં પોતે દિલ્હી એરપોર્ટ ટર્મિનલ-2 પર કસ્ટમ ઓફિસમાંથી બોલતી હોવાનું જણાવી કહ્યું હતું કે, તમારું પાર્સલ યુકેથી આવ્યું છે, જે મિન્ડાએ મોકલ્યું હોવાનું કહી કસ્ટમ ડ્યૂટી ભરવાનું કહ્યું હતું. તેમણે પાર્સલ છોડાવાની ના પાડતાં તેમને ધમકી અપાઈ હતી કે, તમે પાર્સલ નહિ સ્વીકારો તો તમારી કારકિર્દીને તકલીફ પડશે. આ વાતથી ગભરાઈ આધેડે ફોન પેથી 35 હજાર યુકો બેંકમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ તેમને કહેવાયું કે, પાર્સલ આવી જશે.
બીજા દિવસે ફરી ટર્મિનલ પરથી ફોન આવ્યો કે, પાર્સલનું સ્કેનિંગ કરતાં તેમાં 50 હજાર પાઉન્ડની રકમ છે, જે મેળવવા તમારે અલગથી પેમેન્ટ કરવું પડશે. નહીં તો તમારા પર મની લોન્ડરિંગનો કેસ થશે. આમ આધેડે ફરી પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આમ અલગ અલગ ચાર્જના નામે તેમની સાથે 31.41 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આમ આ કાકા ને પૈસા ગુમાવવા નો વારો આવ્યો હતો.