મુંબઈ,
મનસુખ હિરેન મર્ડર કેસ અને એન્ટિલિયા સામે વિસ્ફોટકો ભરેલી ગાડી મૂકવાના કેસોના મુખ્ય આરોપી અને હાલ એનઆઈએની કસ્ટડીમાં રહેલા સચિન વાઝેની મુશ્કેલીમાં વધારો થયો છે. વાઝે ફાઈવ સ્ટાર હોટેલમાં એક યુવતીને લઈને ગયો હતો, જે એનઆઈએના હાથમાં આવી ગઈ છે. સાઉથ મુંબઈની એક લક્ઝુરિયસ ફાઈવ સ્ટાર હોટેલમાં વાઝે રોકાયો હતો. તેની સાથે એક રહસ્યમયી યુવતી પણ હતી, જે તેની સાથે સીસીટીવીમાં પણ ઝડપાઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરુવારે એનઆઈએએ વાઝે સાથે હોટેલમાં દેખાયેલી મિસ્ટ્રી વુમનને શોધી કાઢી હતી, એનઆઈએ દ્વારા યુવતીના ફ્લેટ પર દરોડો પાડવામાં આવ્યો હતો. તેની મોડી સાંજ સુધી પૂછપરછ કરવામાં આવી હતી. છેલ્લી માહિતી પ્રમાણે પૂછપરછ બાદ આ યુવતીને કસ્ટડીમાં લેવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, યુવતી મુંબઈના મીરાં રોડ વિસ્તારમાં એક ભાડાંના ફ્લેટમાં રહે છે. તેને એરપોર્ટ પરથી ઝડપી લેવાઈ હતી. પોલીસે યુવતીના મકાનમાલિકની પણ પૂછપરછ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સચિન વાઝે મુંબઈની આ ફાઈવ સ્ટાર હોટેલમાં ૧૦૦થી પણ વધુ દિવસ રોકાયો હોવાનો અગાઉ ખુલાસો થયો હતો. વાઝેના સ્ટેનું ૧૩ લાખ રુપિયા જેટલું બિલ બન્યું હતું. જેની ચૂકવણી કરવા માટે એક ઉચ્ચ અધિકારીએ ચિટિંગની ફરિયાદ નોંધાવવા આવેલા વેપારીને ફોન કર્યો હતો. આ વેપારીએ એનઆઈએ સમક્ષ એવો દાવો કર્યો હતો કે, તેને એવું કહેવાયું હતું કે જાે તે સચિન વાઝેના હોટેલ સ્ટેનું બિલ ચૂકવી દેશે તો વાઝે તેને તેના રુપિયા કઢાવવામાં મદદ કરશે.
વાઝે ફાઈવ સ્ટાર હોટેલમાં ૧૦૦ દિવસ રોકાયો છે તેવી માહિતી મળતા તપાસ અધિકારીઓએ તેના સીસીટીવી ફુટેજ ફંફોસવાનું શરુ કર્યું હતું. જેમાં વાઝે સાથે એક રહસ્યમય યુવતી દેખાઈ હતી. સૂત્રોનું માનીએ તો, આ યુવતી નોટો ગણવાના મશીન સાથે સીસીટીવી મશીનમાં દેખાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ જ હોટેલના એક ફુટેજમાં વાઝે બે બેગ સાથે જાેવા મળ્યો હતો, જેમાંથી એકમાં કેશ હોવાના દાવા કરાઈ રહ્યા છે.
સીસીટીવીમાં વાઝે સાથે દેખાયેલી યુવતી આ કેસની મહત્વની કડી સાબિત થઈ શકે તેવી મજબૂત શંકા થતાં એનઆઈએ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
યુવતી ગઈકાલે મુંબઈની બહાર નીકળી જાય તે પહેલા જ તેને એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવી હતી. તેની પાસેથી કેટલાક દસ્તાવેજાે મળ્યા હોવાનું પણ મનાઈ રહ્યું છે. આ યુવતીનું નિવેદન લઈને તેની વાઝેના નિવેદન સાથે તુલના કરવા માટે પણ કવાયત શરુ કરાઈ છે.
સૂત્રોનું માનીએ તો, એનઆઈએને એવી શંકા છે કે આ હોટેલમાં જ એન્ટિલિયા નજીક વિસ્ફોટકો ભરેલી ગાડી મૂકાવાનો પ્લાન બનાવાયો હતો, જેમાં યુવતી વાઝેની કથિત મદદ કરી રહી હતી. વાઝેના રુપિયાનો વહીવટ આ યુવતી જ કરતી હોવાની પણ એનઆઈએને શંકા છે. ઉલ્લેખનીય છે કે, વાઝેની લક્ઝુરિયસ કારમાંથી પણ નોટો ગણવાનું મશીન મળ્યું હતું. આ યુવતી વાઝેના અનેક રહસ્યો ઉજાગર કરી શકે છે તેવું પણ એનઆઈએ માની રહી છે.