અમદાવાદ, 17 ડિસેમ્બર દેશમાં કોરોનાની મહામારીના કારણે સમગ્ર દેશ એકદમ ઠપ્પ થઈ ગયો છે, હવે કોરોનાના કેસો ઘટતા ધીમે ધીમે ગાડી પાટે આવી રહી છે. તેમ તેમ લોકો પણ રાહત અનુભવી રહ્યા છે. રેલ્વે તંત્રના જણાવ્યા પ્રમાણે આગામી વર્ષના એપ્રિલ મહિના સુધીમાં અમદાવાદ-ઉદેપુર વચ્ચે ટ્રેનો દોડવા લાગશે, હાલમાં હિમતનગર થી ડુંગરપુર સુધી રેલ્વે દ્વારા ટ્રાયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. હિમતનગર થી ડુંગરપુર સુધી બ્રોડગેજ રેલ્વે લાઈન નાખવાનું કાર્ય ચાલી રહ્યું હતું જે હવે પૂરું થઇ ચુક્યું છે, તેના પર 15 ડિસેમ્બર થી 21 ડિસેમ્બર વચ્ચે હાલમાં ટ્રેન દોડાવીને તે રૂટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
આગામી સપ્તાહમાં રેલ્વે સુરક્ષા અધિકારીઓ તે રૂટ પર ટ્રેક ચેકીગ માટે આવશે અને તે લોકો ત્યારબાદ તેના માટેનો રીપોર્ટ સબમિટ કરશે, ત્યાર પછી પેસેન્જર ટ્રેનોને દોડાવવામાં આવશે. રેલ્વે ડીપાર્ટમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ રૂટ શરુ થયા પછી મુંબઈ થી દિલ્હી જતી ટ્રેનો માટે વધુ એક વૈકલ્પિક રૂટ ઉભો થશે, હાલમાં મુંબઈથી ઉપડતી ટ્રેનો અમદાવાદ થઈને માઉન્ટ આબુ થઈને અજમેર રૂટ પર આગળ વધીને દિલ્હી જાય છે, જ્યારે બીજો વૈકલ્પિક રૂટમાં મુંબઈથી ઉપડીને વડોદરાથી રતલામ, ચિતોડગઢ, અને અજમેર થઈ દિલ્હી પહોચે છે, તેના બદલે વધુ એક રૂટ શરુ થશે જેમાં મુંબઈથી ઉપડતી ટ્રેન અમદાવાદ થઈને ડુંગરપુર, ઉદયપુર થઈને વાયા અજમેર દિલ્હી પહોચી શકશે.