રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે ૬૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ચીખલીમાં સવા ૪ ઈંચ વરસાદ નોંધાયો છે તેમજ ગણદેવીમાં પોણા ૪ ઈંચ, ખેરગામમાં ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. ડોલવણમાં પોણા ૩ ઈંચ, કુકરમુંડામાં ૨ ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉમરગામ ૨ ઈંચ, નવસારીમાં ૨ ઈંચ વરસાદ નોંધાયો છે. નસવાડી, લીમખેડા, ગરૂડેશ્વર, વલસાડમાં ૨-૨ ઈંચ વરસાદ પડ્યો છે.
આજે દેવગઢ બારિયા, તિલકવાડા, ઉમરપાડા, મહુવા તાલુકામાં દોઢ-દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે અને માંગરોળ, બોડેલી, માંડવી, વાપીમાં ૧-૧ ઈંચ વરસાદ પડ્યો છે. ચોમાસું શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે. ચાલુ ચોમાસાની સિઝનમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં ભારે હેત વરસાવ્યું છે. અત્યાર સુધીમાં વરસાદના બે રાઉન્ડમાં રાજ્યમાં ૪૩.૭૭ ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગુજરાતમાં આગામી ૪થી ૫ દિવસ છૂટા છવાયા વરસાદની સંભાવના છે. આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે. તો અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.