રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના 18 વોર્ડની 72 બેઠકની મતગણતરી આજે હાથ ધરાતા મતદારોએ પરિવર્તન નહી પણ પુનરાવર્તન જ કર્યાનો ચૂકાદો આવી રહ્યો છે. સવારે પ્રારંભીક વોર્ડની મતગણતરીમાં ભાજપના ગઢ જેવા વોર્ડ નં.7માં ભાજપના ઉમેદવારોનો જયજયકાર થયો છે. તો વોર્ડ નં.10માં પણ વિજય અને વોર્ડ નં.1માં જંગી લીડ સાથે વિજય કૂચથી શાસક પક્ષને પ્રચંડ બહુમતી મળી રહી છે. વોર્ડ નં.4માં પણ ભાજપનો જય જયકાર થયો છે.
રવિવારના 50.72 ટકા મતદાન બાદ આજે છ સ્થળે મત ગણતરી થઇ હતી. જેમાં સૌ પ્રથમ વોર્ડ નં.7ના ઉમેદવારો દેવાંગભાઇ માંકડ, નેહલભાઇ શુકલ, વર્ષાબેન પાંધી અને જયશ્રીબેન ચાવડાને સૌ પહેલા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ બાદ ગત વખતે કોંગ્રેસનાએક કોર્પોરેટર જયાં ચૂંટાયા હતા તે વોર્ડ નં.10માં પણ ભાજપની પૂરી પેનલ જયોત્સનાબેન ટીલાળા, રાજેશ્ર્વરીબેન ડોડીયા, ચેતનભાઇ સુરેજા, નરેન્દ્રસિંહ (નિરૂભા) વાઘેલા મોટી બહુમતીથી ચૂંટાઇ આવ્યા છે. આ રીતે કોંગ્રેસના સીટીંગ અને જાગૃત ગણાતા નગરસેવક મનસુખભાઇ કાલરીયાનો પણ પૂરી પેનલ સાથે પરાજય થયો છે.
વોર્ડ નં.1માં પણ પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, દુર્ગાબા જાડેજા, હિરેનભાઇ ખીમાણીયા અને ડો.અલ્પેશ મોરઝરીયાની પેનલનો વિજય થઇ રહ્યો છે. આ વોર્ડમાં કોંગ્રેસ માત્ર ત્રણ બેઠક પર ચૂંટણી લડતી હતી.
વોર્ડ નં.16માં પણ ભાજપના ઉમેદવારો નરેન્દ્રભાઇ ડવ, સુરેશભાઇ વસોયા, રૂચીતાબેન જોશી, કંચનબેન સિઘ્ધપુરા કોંગ્રેસના ઉમેદવારો ગેરીયા રસિલાબેન, વલ્લભભાઇ પરસાણા, બાબુભાઇ ઠેબા અને ગાયત્રીબેન ભટ્ટથી પાછળ રહી ગયા છે. તો વોર્ડ નં.13માં પણ કોંગ્રેસના સીટીંગ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર પાછળ છે અને ભાજપની પેનલ આગળ જઇ રહી છે.સામાકાંઠે વોર્ડ નં.4ની એક બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે આપના એક ઉમેદવાર પ્રારંભે આગળ નીકળ્યાના અહેવાલ હતાં. પ્રારંભીક તમામ વોર્ડમાં ભાજપ લીડ તરફ છે. વોર્ડ નં.4માં ભાજપના ઉમેદવારો કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા, પરેશભાઇ પીપળીયા અને કાળુભાઇ કુગશીયાની પેનલ બહુમતિ સાથે જીતી ગઇ છે.