રાજકોટ એસટી બસ સ્ટેશન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં એસ.ટી બસ મારફતે મુસાફરી કરતાં લોકો માટે ખૂબ મહત્વનું છે. અહીંયા દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના લોકો સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં જ્યારે મુસાફરી માટે જતાં હોય છે, ત્યારે રાજકોટ એસટી બસ સ્ટેશનમાંથી ચોક્કસ પસાર થતાં હોય છે. રાજકોટ એસટી બસ સ્ટેશનમાં આજે એક એવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા કે જે મુસાફરી કરતા મુસાફરોની ચિંતા વધારનારા છે. રાજકોટ એસટી બસ સ્ટેશનમાં આંખના પલકારામાં જ મોબાઈલ તફડાવી લે છે.
રાજકોટ એસટી બસ સ્ટેશનમાં દિવસ દરમિયાન હજારો મુસાફરો મુસાફરી માટે આવતાં જતાં હોય છે, ત્યારે મુસાફરોના ઘસારાનો લાભ તસ્કરો લઈ લેતા હોય છે. જેના એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રાજકોટ એસટી બસ સ્ટેશનમાં એક મુસાફર જ્યારે બસમાં ચડવા જાય છે એ જ સમયે રાજકુમાર નામનો શખ્સ તેમની રહેલો મોબાઈલ તફડાવી લે છે. આ તસ્કરની મોબાઇલ ચોરવાની મોડસ ઓપરેન્ડી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. રાજકુમાર નામનો આ મોબાઈલ ચોર પહેલા તો બસ સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ઉભો રહે છે અને કયા વ્યક્તિના શર્ટના ઉપરના ખિસ્સામાં મોબાઈલ છે? કેટલો કિંમતી મોબાઈલ છે?
તે ચતુરાઈપૂર્વક જાેઈ લે છે અને જ્યારે તે વ્યક્તિ બસમાં ચડવા જાય છે, ત્યારે તેમની પાસે પહોંચી જાય છે. મુસાફરનું ધ્યાન જ્યારે બસમાં ચડવા તરફ હોય છે, ત્યારે તેનો લાભ લઈને આ તસ્કર મુસાફરના મોંઢા નજીક રૂમાલ જેવી વસ્તુ રાખી દે છે અને ચાલાકીપૂર્વક તેમના ખિસ્સામાં રહેલો કિંમતી મોબાઈલ ચોરી લે છે. મુસાફર જ્યારે બસમાં સીટ પર બેસી જાય છે અને પોતાનો મોબાઈલ લેવા જ્યારે ખિસ્સામાં હાથ નાંખે છે ત્યારે તેમને ખ્યાલ આવતો હોય છે કે તેમનો કિંમતી ફોન ચોરાઈ ગયો છે. આટલી વારમાં તો આ શખ્સ ત્યાંથી ઘણો દૂર ચાલ્યો ગયો હોય છે.