સૌંરાષ્ટ્રની ત્રણ મહાપાલિકાઓ રાજકોટ, જામનગર, ભાવનગરની ચૂંટણીઓ માટે આવતીકાલ રવિવારે સવારે 7થી સાંજે 6 મતદાન થવાનું છે. ગઈકાલે સાંજે જાહેર પ્રચાર શાંત થયા બાદ રાતથી ઉમેદવારોએ વ્યક્તિગત સંપર્ક શરુ કર્યા છે. તેમાં આજે કતલની રાતે શામ, દામ, દંડ, ભેદના દાવપેચ વચ્ચે મોટા ખેલ ખેલાવા સંભવ છે. રાજકોટની 72, જામનગરની 64 અને ભાવનગરની બાવન બેઠક માટે મતદાન થવાનું છે.
કોરોનાકાળમાં નિરસ રહેલા મતદારો કોની તરફે મતદાન કરશે અને કોને સતાની ખુરશી સોંપશે તેના પર મહાનગરોના રાજકારણનો પણ મોટો મદાર છે. રાજકોટ કોર્પો.ના 18 વોર્ડની 72 બેઠક પર ભાજપના 72, ‘આપ’ના 72 તથા કોંગ્રેસના 70 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. નિરસ મતદારોએ ઉમેદવારો અને નેતાઓની ચિંતા વધારી છે. મહાનગરમાં ગત 2015ની ચૂંટણીમાં ભાજપને 38 અને કોંગ્રેસને 34 બેઠક મળી હતી. હવે કાલની ચૂંટણીમાં કેટલું મતદાન થાય છે એ બાબત પણ મહત્વની બનવાની છે. મંગળવારે થનારી મત ગણતરી અને પરિણામ સુધી મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં ભાજપ નેતાઓ શાંતિથી ઉંઘી નહીં શકે એ નિશ્ર્ચિત છે. ઉમેદવારો પસંદ ન હોય તો ‘નોટા’ ઉપર કલીક કરીને પણ મત આપવા જાગૃત મતદારોને અપીલ થઈ રહી છે.
ભાવનગર
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંગેની તૈયારીઓને અપાઇ રહેલો આખરી ઓપ 469 બૂથ પર 3 હજારથી વધુ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર સહિતના સ્ટાફની નિમણૂક કરાઈ.
વિપુલ હિરાણી
કાલે ભાવનગર મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાન યોજાનાર છે. જે ચૂંટણી શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ મતદારોને મતદાન કરવા અંગે કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પુર્ણ કરવામાં આવેલ છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટેના 469 મતદાન મથકો પર અંદાજે 3,000 જેટલા પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર તથા દરેક મતદાન મથકો પર મહિલા પોલીંગ ઓફિસરની તથા પટાવાળાને લાયકાત અનુસારની વિવિધ ફરજો સોંપી તાલીમબઘ્ઘ કરવામાં આવેલ છે.
આરોગ્ય ટીમો
મતદાનના દિવસે કોવીડ – 19 અંતર્ગત સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય તેમજ કોઈ સ્ટાફ કે મતદાર કોવીડ-19 થી સંક્રમિત ન થાય તેની પુરતી તકેદારી માટે 486 આરોગ્ય કર્મીઓની નિમણૂંક કરવામાં આવેલ છે. દરેક મતદાન મથકો પર થર્મલગન, ફેસશીલ્ડ, થ્રી-લેયર માસ્ક, હેન્ડ ગ્લોઝ, લીકવીડ સોપ, સેનેટાઈઝર સ્પ્રે વગેરે જેવા આરોગ્યલક્ષી સાધનો ઉપલબ્ધ કરવામાં આવનાર છે તેમજ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા માટે ચોકકસ અંતરે સર્કલ વગેરે નિશાનીઓ કરવાનું પણ આયોજન કરવામા આવેલ છે.
બંદોબસ્ત
મતદાન શાંતિમય વાતાવરણમાં યોજાય અને કોઈ અનિશ્ચિત બનાવ બનવા પામે નહીં તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ તથા પોલીસ અધિક્ષકના પરામર્શમાં દરેક મતદાન મથક પર સુનિશ્ચિત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. જ્યારે સંવેદનશીલ મતદાન મથકોની સંવેદનશીલતા ધ્યાને લઇ સિનિયર પોલીસ અધિકારી સાથે અલાયદો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. તદ્ઉપરાંત મતદાન મથકની બહાર અને જાહેર જગ્યાએ સતત પોલીસ પેટ્રોલિંગ શરૂ રાખવા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવાની વ્યવસ્થા કરવામા આવેલ છે.
જામનગર
જામનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં 16 વોર્ડ માટે 64 ઉમેદવારો માટે મતદાન રવિવારે સવારે થવાનું છે જામનગરમાં આ વખતે ચુંટણી પ્રચાર ફીક્કો રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તેમજ એનસીપીના સ્ટાર પ્રચારકો પૈકી માત્ર ગણીયા ગાંઠીયા જ પ્રચારકોએ રેલી અને જાહેર સભાઓ કરી છે. મોટા ભાગના વિસ્તારોમાં તો પ્રચાર પણ કરવામાં આવ્યો નથી. તેવુ ચિત્ર ઉપસી રહ્યું છે.
જામનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ-આપ-બહુજનસમાજ પાર્ટી-એનસીપી અને અપક્ષો ચુંટણીના જંગમાં પ્રચાર સાથે મેદાનમાં ઉતર્યા છે. હવે મતદાનના આડે માત્ર 1 દિવસ બાકી છે ત્યારે મતદારોને રીઝવવા માટે થઇને ઉમેદવારો દ્વારા ડિઝીટલ પ્રચારને પણ વેગ આપ્યો છે. જામનગરના મતદારો પોતાનું મન અકળ બનાવીને બેઠા છે ત્યારે મતદારોને રીઝવવા ઉમેદવારોએ આવતીકાલથી ખાટલા બેઠકો શરૂ થઇ ગઇ છે.