ભારત ૧૧૬ દેશના વૈશ્વિક ભૂખમરા સૂચકઆંક ૨૦૨૧માં (ગ્લોબલ હંગર ઈન્ડેક્સ-૨૦૨૧) ગગડીને ૧૦૧માં સ્થાને પહોંચી ગયું છે. આ મામલે તે પોતાના પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ કરતા પણ પાછળ છે. ગત વર્ષ એટલે કે ૨૦૨૦માં ભારત ૯૪માં નંબર પર હતું. ભૂખ અને કુપોષણ પર નજર રાખનારી વૈશિવિક ભૂખમરા સૂચકઆંકની વેબસાઈટે ગત ગુરુવારે વર્ષ ૨૦૨૧ની જીએચઆઈની યાદી બહાર પાડી છે. ભારત આ વર્ષે ૭ અંક ગગડી ગયું છે. આ વર્ષે ચીન, બ્રાઝિલ, અને કુવેત સહિત અઢાર દશોએ પાંચથી ઓછાના જીએચઆઈ સ્કોર સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે. સહાયતા કાર્યો સાથે જાેડાયેલી આયરલેન્ડની એજન્સી કન્સર્ન વર્લ્ડવાઈડ અને જર્મનીનું સંગંઠન વેલ્ટ હંગર હિલ્ફ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા રિપોર્ટમાં ભારતમાં ભૂખના સ્તરને ‘ચિંતાજનક’ દર્શાવવામાં આવ્યું છે.
વર્ષ ૨૦૨૦માં ભારત ૧૦૭ દશોમાં ૯૪માં સ્થાને હતું. હવે ૧૧૬ દેશોની યાદીમાં તે ૧૦૧માં સ્થાને આવી ગયું છે. ભારતનો જીએચઆઈ સ્કોર ગગડી ગયો છે. જે વર્ષ ૨૦૦૦માં ૩૮.૮ હતો, ૨૦૧૨ અને ૨૦૨૧ વચ્ચે ૨૮.૮ – ૨૭.૫ વચ્ચે રહ્યો. દર વર્ષે દેશોના જીએચઆઈ સ્કોરને ૪ માપદંડોના આધારે નક્કી કરાય છે. જેમાં અલ્પપોષણ, કુપોષણ, બાળકોનો વૃદ્ધિ દર અને બાળ મૃત્યુદર સામેલ છે. રિપોર્ટ મુજબ પાડોશી દેશો જેમ કે નેપાળ (૭૬), બાંગ્લાદેશ (૭૬), મ્યાંમાર (૭૧) અને પાકિસ્તાન (૯૨) પણ ભૂખમરાને લઈને ચિંતાજનક સ્થિતિમાં છે. પરંતુ ભારતની સરખામણીએ આ દેશોની સ્થિતિ સારી છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ ચિંતાજનક જ રહી છે. પરંતુ આ વર્ષે ભૂખમરાનું સંકટ પહેલા કરતા વધી ગયું છે. વર્ષ પ્રમાણે ભારતની સ્થિતિએ ૨૦૧૫ -૯૩, ૨૦૧૬- ૯૭, ૨૦૧૭-૧૦૦, ૨૦૧૮- ૧૦૩, ૨૦૧૯-૧૦૨, ૨૦૨૦- ૯૪, ૨૦૨૧- ૧૦૧ ક્રમ રહ્યો છે.