વિકસીત રાજ્ય ગુજરાતના જાહેરદેવામાં વધારોને વધારો થઇ રહ્યો છે.ભાજપના રાજમાં પ્રત્યેક ગુજરાતીના માથે અંદાજે રૂા.53 હજારનું દેવુ છે જયારે ગુજરાત રાજ્યનું જાહેરદેવુ પણ વધીને રૂા.2,67,650 કરોડ સુધી થયુ છે.
ગુજરાત વિધાનસભામાં સરકારે જાહેર દેવાના આંકડા રજૂ કર્યાં છે તે મુદ્દે વિપક્ષે એવી પ્રતિક્રિયા આપી છેકે,ભાજપ સરકાર ગુજરાતને દેવાળિયુ રાજ્ય બનાવી દેશે. એક બાજુ,ભાજપ સરકાર વિકાસના બણગાં ફુંકી રહી છે ત્યારે બીજી બાજુ,દેવુ કરીને ઘી પીવા જેવો ઘાટ સર્જાયો છે. આ વર્ષે પણ ગુજરાત સરકાર વધુ રૂા.50,751 કરોડનું દેવુ કરશે.
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પૂછેલાં સવાલના જવાબમાં નાણાં મંત્રી નીતિન પટેલે રાજ્યના જાહેર દેવાને લઇને એવો સ્વિકાર કર્યો છેકે, છેલ્લા બે વર્ષમાં દેવામાં રૂા.55,060 કરોડનો વધારો થયો છે. દર વર્ષે લગભગ રૂા.27 હજાર કરોડ દેવામાં વધારો નોંધાયો છે.
રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં મુદ્દલ પેટે રૂા.32,087 કરોડ ચૂકવ્યા હતાં જયારે વ્યાજ પેટે રૂા.38,399 કરોડની ચૂકવણી કરવામાં આવી હતી. વર્ષ 2020-21માં રાજયના દેવાનું કદ રૂા.2,88,910 કરોડ જેટલુ વિશાળ હતું.
રાજ્યના દેવામાં રૂા.46,766 કરોડનો વધારાનો અંદાજ હતો જેમાં રૂા.15 હજાર કરોડનો વધારો કરી દેવુ સુધારી રૂા.61,268 કરોડ કરવામાં આવ્યુ છે જેના કારણે વર્ષ 2020-21માં રાજય સરકારનું દેવુ 2.96 કરોડનું રહે તેવો અંદાજ મૂકાયો છે.
વર્ષ 2020-21માં રાજયનુ જાહેરદેવુ વધીને 3,50,000 કરોડને આંબી જાય તેવી શક્યતા છે. આમ,રાજ્ય સરકારના બજેટ રતાં કરતા પણ સરકારનું જાહેર દેવુ રૂા.1.34 લાખ કરોડ વધુ હશે તેવો અંદાજ છે. દરેક ગુજરાતીના માથે રૂા.48 હજારનું દેવુ હતુ તે વધીને હવે અંદાજિત રૂા.53 હજાર થવાનો અંદાજ છે.