બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન આવતા વર્ષે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે ભાગ લેશે. યુકેના વિદેશ સચિવે આ વાતની પુષ્ટિ કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 27 નવેમ્બરના રોજ બ્રિટનના વડા પ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ સમય દરમિયાન વડા પ્રધાને તેમને પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. આ વાતની પુષ્ટિ કરતાં બ્રિટનના વિદેશ સચિવ ડોમીકન રાબે, ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે સંયુક્ત વાતચીતમાં જણાવ્યું હતું કે,’ વડા પ્રધાન બોરીસ જોહ્ન્સનને મુખ્ય મહેમાન તરીકે, ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં જોડાવાનું આમંત્રણ સ્વીકાર્યું છે.’ પત્રકાર પરિષદ દરમિયાન વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે, ‘બ્રિટિશ વડા પ્રધાન દ્વારા આમંત્રણ સ્વીકારવુ, ભારત-યુકે સંબંધોના નવા યુગનું પ્રતીક છે.’
નોંધનીય છે કે, 27 વર્ષના ગાળા બાદ બ્રિટનના વડા પ્રધાન, પ્રજાસત્તાક દિનના મુખ્ય મહેમાન રહેશે. આ પહેલા 1993 માં જ્હોન મેજર એ ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.