બહુચર્ચિત બુલેટ ટ્રેન પહેલા તબક્કામાં અમદાવાદથી મુંબઈ નહીં પણ વલસાડ સુધી જ દોડતી થશે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ)એ ગુરુવારે જણાવ્યું હતું કે જો આગામી ત્રણ મહિનામાં મહારાષ્ટ્રમાં જમીન સંપાદન કામગીરી આટોપી નહીં શકાય તો બુલેટ ટ્રેન ગુજરાત પૂરતી શરૂ કરાશે. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં લગભગ 95 ટકા જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે મહારાષ્ટ્રમાં હજી 23 ટકા જમીન સંપાદનની કામગીરી જ થઈ છે. જેના પગલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નિર્ધારિત 2023માં પૂર્ણ થવાની શક્યતા નથી. આ સ્થિતિમાં એનએચએસઆરસીએલ દ્વારા ગુજરાતમાં જમીન સંપાદન પૂર્ણ થતા એલિવેટેડ કોરિડોર માટે ટેન્ડર આપી દેવાયા છે.
રેલવેએ કામગીરી માટે ટેન્ડર બહાર પાડ્યાં
આ કામગીરી ચારેક વર્ષમાં પૂર્ણ થતાં પ્રથમ તબક્કામાં 2025 સુધીમાં સાબરમતીથી વલસાડ સુધી બુલેટ ટ્રેનનું સંચાલન શરૂ કરાશે, મહારાષ્ટ્રમાં બીજા તબક્કાની કામગીરી પૂર્ણ થતાં મુંબઈ સુધી બુલેટ ટ્રેન દોડાવાશે. એનએચએસઆરસીએલના મેનેજિંગ ડિરેક્ટર અચલ ખરેએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનના 350 કિ.મી.ના રૂટ પૈકી 325 કિ.મી. રૂટ પર કામગીરી શરૂ કરાઇ છે, બાકીના રૂટની કામગીરી દિવાળી સુધીમાં શરૂ કરાશે. જ્યારે મહારાષ્ટ્રમાં જો આગામી 3-4 માસમાં જમીન સંપાદન કામગીરી પૂર્ણ નહીં થાય તો બે તબક્કામાં બુલેટ ટ્રેન દોડાવાશે. હાલમાં વટવાથી વડોદરા અને વડોદરાથી ગુજરાત બોર્ડર સુધી સિવિલ કામગીરી શરૂ થઈ ગઈ છે. જ્યારે સાબરમતીથી વટવા સુધી 18 કિ.મી. રૂટની સાથે વડોદરાના 8 કિ.મી. રૂટના કામ માટે ટેન્ડર બહાર પાડ્યાં છે, કોન્ટ્રાક્ટ મંજૂર થતા દિવાળી સુધીમાં આ રૂટ પર કામગીરી શરૂ કરાશે.
જમીન સંપાદનની કામગીરી ખોરંભે ચડી
અત્રે ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ થયો ત્યારે 2023માં બુલેટ ટ્રેન શરૂ કરવાની યોજના હતી. પરંતુ મહારાષ્ટ્રમાં ભાજપનું શાસન ગયા પછી જમીન સંપાદનની પ્રક્રિયા ખોરંભે પડી ગઈ છે. શિવસેના સરકારે આવતાની સાથે જ આ પ્રોજેક્ટની સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો હતો.
સાબરમતીમાં 9 માળનું ટ્રાન્સપોર્ટ હબ બે વર્ષમાં બનશે
સાબરમતી ખાતે એનએચએસઆરસીએલ દ્વારા પેસેન્જરોની સુવિધા માટે 9 માળનું ટ્રાન્સપોર્ટ હબ બની રહ્યું છે. આ હબમાંથી બુલેટ ટ્રેન, રેલવે, મેટ્રો ટ્રેન, બીઆરટીએસ સહિત શહેરી પરિવહન સેવાની સુવિધા, અંડરગ્રાઉન્ડની સાથે 3 માળ સુધી પાર્કિંગ સુવિધા, 4થી 9 માળમાં બુલેટ-રેલવે બુકિંગ ઓફિસ-વહીવટી ઓફિસ, સરકારી ઓફિસો, ખાણી-પીણીના સ્ટોલ, મલ્ટિપ્લેક્ષ, મોલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. હાલ ચાર માળ સુધીની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. જ્યારે સંપૂર્ણ ટ્રાન્સપોર્ટ હબ 2023માં તૈયાર કરી લોકો માટે ખુલ્લું મુકી દેવાશે.
જાપાનથી ટ્રેનના 24 સેટ આવશે
બુલેટ ટ્રેન માટે શરૂઆતમાં જાપાનની ઈ-5 સિરિઝની ટેકનોલોજી સાથે 24 સેટ ટ્રેન મગાવાશે. એક સેટ ટ્રેનમાં 10 કોચ હશે, આ 24 સેટ ટ્રેનમાંથી 18 ટ્રેન જાપાનથી જ તૈયાર કરી મગાવાશે. જ્યારે 6 ટ્રેન આત્મનિર્ભર અભિયાન હેઠળ ભારતમાં તૈયાર કરાશે. જેના માટે જાપાન દ્વારા ભારતીય ટેકનિશિયનોને તાલીમ અપાશે. ત્યારબાદ તેઓ ભારતમાં જ આ ટ્રેન એસેમ્બલ કરી તૈયાર કરશે.