અમેરિકામાં રાષ્ટ્રપતિ જાે બાઈડને પદભાર સંભાળ્યો ત્યાર બાદ ગુરૂવારે પ્રથમ વખત ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. અમેરિકા સાથેની કૂટનીતિમાં ઘર્ષણ બાદ ઉત્તર કોરિયાનું આ પગલું જાે બાઈડન પ્રશાસન પર દબાણ બનાવવા અને પોતાની સૈન્ય ક્ષમતામાં વધારો કરવા ફરી પરીક્ષણ શરૂ કરવાનો સંકેત આપે છે.
જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ કહ્યું કે, આ પરીક્ષણ જાપાન તથા ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે જાેખમી છે તથા ટોક્યો ઉત્તર કોરિયાની ગતિવિધિઓ મામલે અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે સંકલન જાળવી રાખશે. દક્ષિણ કોરિયાના જાેઈન્ટ ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું કે, સવારે ૭ઃ૦૬ કલાકે અને ૭ઃ૨૫ કલાકે ઉત્તર કોરિયાના પૂર્વીય તટ પર મિસાઈલ લોન્ચ થઈ હતી. આ મિસાઈલોએ સમુદ્રમાં પડતા પહેલા ૪૫૦ કિમીનું અંતર કાપ્યું હતું.
અમેરિકા હિંદ-પ્રશાંત કમાનના પ્રવક્તા કેપ્ટન માઈક કાફ્કાએ અમેરિકી સેનાને મિસાઈલ અંગે જાણકારી છે અને તે પોતાના સહયોગીઓ સાથે પરામર્શ કરીને સ્થિતિ પર નજર રાખી રહી છે તેમ જણાવ્યું હતું. વધુમાં કહ્યું કે, “આ ગતિવિધિઓથી સાબિત થાય છે કે, ઉત્તર કોરિયાના ગેરકાયદેસર હથિયારોના કાર્યક્રમથી તેના પાડોશીઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયને જાેખમ છે.”
અમેરિકા સાથેની પરમાણુ વાર્તામાં ઘર્ષણ વચ્ચે ઉત્તર કોરિયાએ આ પરીક્ષણ કર્યું છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જાેંગ ઉન અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફેબ્રુઆરી ૨૦૧૯માં યોજાયેલી બીજી શિખર વાર્તા અસફળ રહી ત્યાર બાદ બંને દેશ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વાર્તા દરમિયાન અમેરિકાએ ઉત્તર કોરિયાની પોતાનો પરમાણુ કાર્યક્રમ આંશિકરૂપે બંધ કરવાના બદલામાં પોતાના પર લાગેલા પ્રમુખ પ્રતિબંધો હટાવવા કહ્યું હતું તે માંગણી ફગાવી દીધી હતી. ઉત્તર કોરિયા આજ સુધી બાઈડન પ્રશાસનના વાતચીત માટેના પ્રયત્નોને નજરઅંદાજ કરતું આવ્યું છે. દક્ષિણ કોરિયાઈ સંરક્ષણ મંત્રાલયના અહેવાલ પ્રમાણે રવિવારે પણ ઉત્તર કોરિયાએ ઓછા અંતરની મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું જે એપ્રિલ ૨૦૨૦ બાદનું પ્રથમ પરીક્ષણ હતું.