બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ફહાદ અહમદ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સ્વરા ભાસ્કરે હાલમાં જ સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહમદ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. જે બાદ બંને પીઠી, મહેંદી અને સંગીતની વિધિ ધામધૂમથી કરવા માંગતા હતા, પરંતુ અન્ય કોઈ રિવાજ સાથે લગ્ન કરવા માંગતા ન હતા. અભિનેત્રીએ અચાનક જ લગ્નના ફોટો શેર કરીને તમામ લોકોને અચંબામાં મુકી દીધા હતા. સ્વરા ભાસ્કર ફરી એક વાર દુલ્હન બની છે. કોર્ટ મેરેજ પછી સ્વરા ભાસ્કરે દિલ્હીમાં તેના નાના નાનીના ઘરે રિત રિવાજ સાથે લગ્ન કર્યા છે. અભિનેત્રીએ લગ્નના ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોઝમાં અભિનેત્રી સાઉથ ઈન્ડિયન બ્રાઈડના લુકમાં જાેવા મળી હતી. લગ્નના દિવસે સ્વરા ભાસ્કરે મરુન અને સોનેરી રંગની સાડી પહેરી હતી, જેની સાથે મરુન અને ગોલ્ડર કલરના ઘરેણા પહેર્યા હતા. હાથમાં મહેંદી, લાલ બંગડી, નાકમાં નથ અને વાળમાં ગજરા સાથે અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી. ફેન્સને સ્વરા ભાસ્કરનો આ ગેટઅપ ખૂબ જ પસંદ આવતા તેના વખાણ કરતા થાકી નથી રહ્યા.
આ ફોટોઝ સામે આવ્યા બાદ લોકોના મોઢે સ્વરા ભાસ્કરની સાડીની ચર્ચા કરવામાં આવી રહી છે. સાડીની કિંમત સાંભળીને ફેન્સ મોઢામાં આંગળી નાંખી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉથ ઈન્ડિયન વેડિંગ માટે સ્વરા ભાસ્કરે રૉ મેંગો લેબલની સાડી પહેરી હતી, જેમાં ગોલ્ડન બોર્ડર પર હેવી બૂટી વર્ક કરવામાં આવ્યું હતું. આ સાડીની કિંમતની વાત કરવામાં આવે તો સાડીની કિંમત ૯૪,૮૦૦ રૂપિયા છે. સ્વરા ભાસ્કરે આ દિવસને ખાસ બનાવવા માટે આ સાડીની પસંદગી કરી હતી. અભિનેત્રીના પતિની વાત કરવામાં આવે તો ફહાદે સફેદ કુર્તો અને ગોલ્ડ નહેરૂ જેકેટ પહેર્યું હતું. ફહાદ અહમદના કુર્તાની કિંમત વિશે જાણી શકાયું નથી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કપલે નિકાહ વાંચ્યા વિના અથવા સાત ફેરા લીધા વિના લગ્ન કરી લીધા હતા. સ્વરા ભાસ્કર અને ફહાદ અહમદના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતા જ વાયરલ થવા લાગ્યા છે. જેના પર લોકો તેમને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે.