વિવાદાસ્પદ ત્રણ કૃષિ કાયદા પરત ખેંચાયા બાદ ખેડૂતો હવે પોતપોતાના ઘરે પાછા ફર્યા છે પણ આ દરમ્યાન ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે આંદોલન અંગે મોટી વાત કહી દીધી છે. તેમણે કહ્યું કે જાે સરકાર ખેડૂતોની માંગણી સંપૂર્ણપણે નહીં સ્વીકારે તો ફરીથી આ આંદોલન શરુ થશે. એટલું જ નહીં તેમણે એઆઈએમઆઈએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસી પર પણ નિશાનો સાધ્યો. રાકેશ ટિકૈત જયપુરમાં ૫મા સૂરજમલ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
ખેડૂત નેતાએ કહ્યું કે કિસાન આંદોલન હજુ સમાપ્ત નથી થયું. તેમણે કહ્યું કે ખેડૂતો ક્યાંય નથી ગયા અને ના સરકાર ગઈ છે. ટિકૈતે કહ્યું કે હવે ખેડૂત આંદોલન માટે ૧૩ મહિનાની ટ્રેનિંગ થશે. આ સાથે જ આંદોલન બાદ ખેડૂતોના મુદ્દે એક્ટિવ રહેવાને લીધે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેવાની અટકળો પર તેમણે કહ્યું કે સંયુક્ત કિસાન મોરચો કોઈ ચૂંટણી નથી લડી રહ્યું.
રાકેશ ટિકૈતે કહ્યું કે ૧૫ જાન્યુઆરીએ અમારી બેઠક છે અને અમે એ સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે આંદોલન સમાપ્ત નથી થયું, સ્થગિત થયું છે.
ખેડૂતો હાલ ફક્ત ૪ મહિનાની રજા પર ગયા છે. જાે સરકારે અમારી માંગણીઓ ન સ્વીકારી તો દેશમાં ફરી એક વખત આંદોલન ઊભું થશે.
તેમણે ઉમેર્યું કે ફક્ત ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવ્યા છે. અમારી બીજી માંગ હજુ નથી સ્વીકારવામાં આવી. જાે સરકારે સમય પર અમારી માંગણી પૂરી ન કરી તો બીજી વખત આંદોલન થશે. આ પહેલા પણ રાકેશ ટિકૈતે કહ્યું હતું કે આંદોલન કોઈ ખતમ થનારી વસ્તુ નથી. તેને કોઈ પણ વ્યક્તિ ખતમ નથી કરી શકતી. તેમણે કહ્યું કે આ કોઈ ચીજ નહીં, પરંતુ બીજ છે અને બીજ ક્યારેય ખત્મ થતું નથી. જાે બીજ ખતમ થઈ જાય તો પાક જ પેદા ન થાય. AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધતા ખેડૂત નેતાએ કહ્યું કે આ તો દેશ માટે ભાજપ કરતા વધુ ખતરનાક છે.