બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ શુક્રવારે તેમના જન્મદિવસ નિમિતે, કોઈ પણ જોડાણ વિના ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.
માયાવતીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની વિધાનસભાની ચૂંટણીમાં બસપા સ્વતંત્ર ચૂંટણી લડશે અને તેની સરકાર બનાવશે. તેમણે કહ્યું કે, મહાગઠબંધનથી અમને નુકસાન થાય છે. બીએસપીએ અગાઉ બિહારમાં નાના પક્ષો સાથે ચૂંટણી જોડાણો કર્યા છે. પરંતુ, હવે માયાવતીએ આ બંને રાજ્યોમાં એકલા હાથે પાર્ટીના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે.
આ દરમિયાન માયાવતીએ વિરોધી પક્ષો પર પણ નિશાન સાધ્યું હતું. તેમજ કેન્દ્રની સરકારને દિલ્હીની સરહદે આંદોલનકારી ખેડૂતોની તમામ માંગણીઓ સ્વીકારવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, જન્મદિવસ નિમિત્તે હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે, ખેડૂતોની તમામ માંગણીઓ સ્વીકારે, જેમાં ત્રણ કૃષિ કાયદાને પાછી ખેંચી લેવા, ખાસ છે. તેમણે કહ્યું કે, ખેડુતો તેમની રુચિ અને હિતને ખૂબ સારી રીતે સમજે છે.
આ સાથે બીએસપી સુપ્રીમોએ આવતીકાલથી દેશમાં કોરોના રસીકરણ અભિયાનને આવકાર્યું અને કહ્યું કે અમારી પાર્ટીની ખાસ વિનંતી છે કે કેન્દ્ર સરકારે કોરોના રસી મફતમાં આપવી જોઈએ. જો કેન્દ્ર સરકાર અમારી આ વિનંતીને સ્વીકારે નહીં, તો પછી તમામ રાજ્ય સરકારોએ મફતમાં આ સુવિધા આપવી જોઈએ. બીજી તરફ, જો કેન્દ્ર અને ઉત્તરપ્રદેશની હાલની ભાજપ સરકાર અહીંના સામાન્ય લોકોને રસીકરણની સુવિધા પૂરી પાડતી નથી, તો આ વખતે જો બસપાની સરકાર બને તો આ સુવિધા વિના મૂલ્યે આપવામાં આવશે.
આ પ્રસંગે, બીએસપી સુપ્રિમોએ પોતાના સ્વ-લિખિત પુસ્તક, ‘મેરે સંઘર્ષમય જીવન એવં બીએસપી મૂવમેન્ટ કા સફરનામા, ભાગ -16 અને તેના અંગ્રેજી સંસ્કરણ નું વિમોચન કર્યું હતું.