બોલિવુડના ગ્રીક ગોડ તરીકે ઓળખાતો હૃતિક રોશન અને ઈન્ટિરિયર ડિઝાઈનર સુઝૈન ખાનના છૂટાછેડા થયે સાત-આઠ વર્ષ જેટલો સમય વીતી ગયો છે. છૂટાછેડા પછી પણ સુઝૈન અને હૃતિક વચ્ચેની મિત્રતા અકબંધ છે. તેઓ પોતાના દીકરાઓ હૃદાન અને રિહાનનો સાથે મળીને ઉછેર કરે છે. એટલું જ નહીં તેમની સાથે મૂવી, લંચ કે ડિનર માટે પણ સાથે જાય છે. માત્ર દીકરાઓ માટે જ નહીં તેઓ એકબીજાના પરિવારોને પણ માન અને પ્રેમ આપે છે. અવારનવાર સુઝૈન હૃતિકના પરિવારના કાર્યક્રમોમાં સામેલ થતી જાેવા મળે છે. બે દિવસ પહેલા જ સુઝૈનના પિતા સંજય કપૂરનો બર્થ ડે ઉજવાયો ત્યારે સેલિબ્રેશનમાં હૃતિક રોશન સામેલ થયો હતો. એક્ટર, પ્રોડ્યુસર અને ડાયરેક્ટર સંજય ખાનનો ૮૧મો બર્થ ડે પરિવારે સાથે મળીને સેલિબ્રેટ કર્યો હતો. ૩ જાન્યુઆરીએ સંજય ખાનનો ૮૧મો જન્મદિવસ હતો જેનું સેલિબ્રેશન રવિવારે સાંજે કરવામાં આવ્યું હતું. બર્થ ડે પાર્ટીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
જેમાં સુઝૈન અને તેના પરિવાર સાથે હૃતિક પણ સંજય ખાનના બર્થ ડેની ઉજવણીમાં જાેવા મળે છે. સુઝૈન ખાનની બહેન ફરાહ ખાન અલીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિવિધ તસવીરો શેર કરી છે. જેમાં હૃતિક પૂર્વ સસરા સાથે પોઝ આપતો જાેવા મળે છે. એક તસવીરમાં હૃતિક ફરાહ અને તેના ભાઈ ઝાયેદ ખાન સાથે પણ પોઝ આપી રહ્યો છે. બીજી એક તસવીરમાં હૃતિકના બંને દીકરાઓ, ઝાયેદ ખાન અને પરિવારના અન્ય બાળકો જાેવા મળી રહ્યા છે. એક તસવીરમાં હૃતિક પૂર્વ સાસુ સાથે પણ ખુશહાલ મુદ્રામાં જાેવા મળી રહ્યો છે. સુઝૈન ખાને પણ પિતાના બર્થ ડે પર એક વિડીયો શેર કર્યો હતો. જેમાં પાર્ટી દરમિયાનની વિવિધ તસવીરો હતી. આ વિડીયો શેર કરતાં સુઝૈને લખ્યું, “હેપી હેપી બર્થ ડે પપ્પા. તમે જિંદગીના જે પણ પાઠ અમને બધાને ભણાવ્યા છે તેના માટે આભાર પપ્પા. અમારી તાકાત અને અમારી અંતરઆત્મા બનવા માટે તમારો આભાર. તમને ખૂબ પ્રેમ કરું છું.” સુઝૈનની આ પોસ્ટ પર તેના કથિત બોયફ્રેન્ડ અર્સલાન ગોની કોમેન્ટ કરીને સંજય ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. સુઝૈને તેનો આભાર માન્યો હતો.