પારડી ,
પારડી હનુમાન ડુંગરી તળેટી પર આવેલ પ્રાચીન રોકડીયા હનુમાનજીના મંદિરે આજરોજ શનિવારે ચૈત્ર સુદ પૂનમ ના હનુમાન જયંતિ નિમિતે સવારથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે હવન-યજ્ઞ , હનુમાન ચાલીસા સાથે પુજાવિધિ બાદ મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આરતી નો લાભ લીધો હતો. આરતી બાદ બપોરના મહાપ્રાસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે રાત્રીના 9 થી 10 વાગ્યા સુધી ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે. હનુમાન જયંતિ ની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. પારડી ઠાકર ગ્રુપ ના જયસિંગ ભરવાડ ની ટીમે રોકડીયા હનુમાન મંદિરમાં હનુમાન જયંતિ નિમિતે છાશ નું વિતરણ કરવામાં આવ્યું હતું. દેશભરમાં હિન્દુઓ દ્વારા હનુમાન જયંતીનો તહેવાર ખુબજ ધૂમધામથી ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર, એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાન એ શિવના 11 માં અવતાર હતા. હિન્દુ શાસ્ત્રો અનુસાર ભગવાન હનુમાનનો જન્મ ચૈત્ર મહિનાની પૂર્ણિમાએ થયો હતો અને આ આનંદમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત ઉદવાડા-રેંટલાવ ખાતે આવેલ સ્વયભું વડમાં પ્રગટ થયેલા વડવાળા હનુમાન જયંતિ ની ઉજવણી પૂજા-યજ્ઞ આરતી બાદ રાત્રીના મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું.
પારડી તાલુકાના નાના વાઘછીપામાં આવેલ વડ પીપડી હનુમાનજીના પ્રતિમાનું આજરોજ શનિવારે હનુમાન જયંતીના પવિત્ર દિવસે પૂજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે ધજા ચઢાવવામાં આવી હતી, ત્યારબાદ સત્યનારાયણ પૂજા અર્ચના કરી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરમાં ભક્તો એ જય શ્રી રામ , જય હનુમાનના જય જય કાર બોલાવ્યા હતાં તેમજ આકડાના ફૂલ ,તેલ ,સિંદૂર , નારિયેળ વગેરે હનુમાનજી ને અર્પણ કરી હનુમાન જયંતી ઉજવણી કરી હતી . ત્યારે પારડી ચિવલ રોડ વાલ્મીકીવાસ, બાલદા, ઉમરસાડી માછીવાડ, વગેરે પારડી પંથકમાં ઠેર-ઠેર કોરોના ના બે વર્ષ બાદ હનુમાન જયંતિ ની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.