પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિકની કાર, રવિવારે લાહોરમાં ક્રેશ થઈ હતી. આ અકસ્માતમાં કારને ખૂબ નુકસાન થયુ હતુ, પરંતુ મલિકને ઈજા પહોંચી ન હતી. શોએબ મલિકે પોતે ટ્વીટ કરી જણાવ્યુ હતુ કે, ‘તે સંપૂર્ણ રીતે ઠીક છે.’
આ ઘટના ત્યારે બની જ્યારે, શોએબ મલિક પાકિસ્તાન સુપર લીગની સિઝન છની ડ્રાફ્ટ ઇવેન્ટથી પોતાની હોટલ પરત ફરી રહ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લાહોરમાં નેશનલ હાઈ પરફોર્મન્સ સેન્ટર (એનએચપીસી) નજીક એક રેસ્ટોરન્ટ પાસે, એક ટ્રક પાર્ક કરવામાં આવી હતી. તેની હાઇ સ્પીડ સ્પોર્ટ્સ કાર, આ ટ્રક સાથે ટકરાઈ ગઈ હતી. કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો.
એક પ્રત્યક્ષદર્શીના અનુસાર, “શોએબ મલિક આ કારમાં બેઠો હતો. મેં તેમનો વિડિઓ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ મને આમ ન કરવા વિનંતી કરી”. અન્ય એક સાક્ષીએ જણાવ્યુ કે, “ક્રિકેટરની સ્પોર્ટ્સ કાર એક એનએચપીસીથી બહાર નીકળી હતી, પરંતુ તે કાબૂમાં નહોતી, જેના કારણે તે લપસીને ટ્રક સાથે અથડાઇ હતી.”