કોરોનાની બીજી લહેર સાવ ઓસરી ગઈ છે એવું વિચારનાર વર્ગ એક મોટા ભ્રમમાં છે.મળતી માહિતી મુજબ એ વાત સાફ છે કે દેશમાં કોરોનની બીજી લહેર હજી પણ યથાવત છે. પ્રાપ્ત અહેવાલો મુજબ દેશમાં આઠ દિવસમાં એક દિવસને બાદ કરતાં તમામ દિવસે 40 હજારથી વધારે કેસ નોંધાયા છે.છેલ્લી માહિતી પ્રમાણે ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 42,982 નવા કેસ નોંધાયા હતા જેમાંથી 41,726 લોકોએ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા.
જ્યારે 533 લોકોના મોત થયા હતા.સરેરાશ રીતે જોવા જઇયે તો દેશમાં એક્ટિવ કેસમાં 723નો વધારો થયો છે.કેરળની સ્થિતિ ખૂબ ગંભીર છે કેરળમાં ગઈકાલે 22,414 કેસ નોંધાયા હતા.આ સ્થિતિમાં જે પ્રદેશો કે વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહ્યા છે એ વિસ્તાર કે પ્રદેશમાં સરકાર ફરીથી કડક કાયદા કરવાનું વિચારી રહી છે.જો રસીકરણ ઝડપી કરવામાં આવે અને સરકારની ગાઇડલાઇનનું ચુસ્ત અને ગંભીરતા પૂર્વક પાલન કરવામાં આવે તો આ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી શકાય એમ છે.
દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે કહ્યું છે કે જે જિલ્લાઓમાં સંક્રમણનો દર 10 ટકાથી વધુ છે ત્યાં કડક પ્રતિબંધો પર વિચાર કરવાની જરૂર છે. કેન્દ્રના જણાવ્યા પ્રમાણે હજી પણ દેશના 46 જિલ્લાઓમાં 10 ટકાથી વધારે સંક્રમણ છે. જ્યારે અન્ય 53 જિલ્લાઓમાં તે પાંચથી 10 ટકાની વચ્ચે છે,આ સ્થિતિની ગંભીરતા સમજીને રાજ્યોએ ફરી એકવાર કોરોના ટેસ્ટિંગને ઝડપી બનાવવાની જરૂર છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કોરોના સબંધિત પગલાં ભરવામાં કોઈ પણ પ્રકારની કચાશ આ જિલ્લાઓમાં પરિસ્થિતિને વધુ ખરાબ કરશે.
કોરોનાના નિયમો હળવા બનતા અને લોકડાઉંનમાંથી મુક્તિ મળતા દેશના મોટા ભાગના લોકો કોરોનાની ગાઈડ લાઇનનું પાલન કરવા પ્રત્યે અગંભીર બની ગયા છે.માસ્ક તેમ સેલ્ફ ડીસ્ટન્સના જાહેરમાં ચીંથરા ઉડી રહ્યા છે.ગામડાઓમાં તો લોકો સાવ બેફિર અને બિંદાસ્ત થઈને ફરી રહ્યા હોય એવા દ્રશ્યો પણ સામે આવે છે.જો આ સ્થિતિ યથાવત રહી તો ભવિષ્યમાં ગંભીર સ્થિતિ ઉભી થવાની શક્યતા છે.