કોરોના સંક્રમણને પગલે ગત વર્ષે ૨૩ માર્ચથી આંતરાષ્ટ્રીય વિમાન સેવા બંધ કરાઈ હતી, પ્રતિબંધ ૨૮મી સુધી હતો
કોરોનાએ દેશમાં વધુ એક વખત ફૂફાંડો માર્યો હોવાથી કેસોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આ જ કારણથી એવિએશન રેગ્યુલેટર ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ ૩૧ માર્ચ સુધી વ્યવસાયિક આંતરાષ્ટ્રીય ઉડ્ડયન પર પ્રતિબંધ લંબાવવાની જાહેરાત કરી છે. કોવિડ ૧૯ મહામારીને પગલે ગત વર્ષે ૨૩ માર્ચથી આંતરાષ્ટ્રીય વિમાન સેવા બંધ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે ૨૮ ફેબ્રુઆરી સુધી આંતરાષ્ટ્રીય વિમાન સેવા પર પ્રતિબંધ હતો જાે કે છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં વધારો થતા ડીજીસીએએ વધુ એક મહિના પ્રતિબંધ લંબાવ્યો છે.
ડીજીસીએએ શુક્રવારે મોડી સાંજે આ અંગે પરિપત્ર જાહેર કર્યા હતા. નિયમાકે જણાવ્યા મુજબ ભારતમાંથી તેમજ ભારત આવતી તમામ આંરાષ્ટ્રીય ફ્લાઈટ્સને ૩૧ માર્ચ ૨૦૨૧ રાતના ૧૧ વાગ્યે ૫૯ કલાક સુધી રદ કરવામાં આવે છે. જાે કે વિશેષ પરિસ્થિતિમાં પસંદગીના માર્ગો પર વિમાન સેવાને મંજૂરી આપવામાં આવશે. કોરોના મહામારીને પગલે ગત વર્ષે આંતરાષ્ટ્રીય વિમાન સેવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. કોવિડ ૧૯ની સ્થિતિમાં સુધારો થતા વચ્ચે થોડો સમય નિયમોમાં ફેરફાર કરાયા હતા. સ્થાનિક ઉડ્ડયન સેવાને મંજૂરી આપવામાં આવે છે જેની સંખ્યા અગાઉની તુલનાએ ઓછી છે.