વેસુ હીના બંગ્લોઝમાં ૪૮ તોલા સોનાની ચોરી કરવાના કેસમાં પોલીસે તપાસ કરીને કાનપુરથી ચાર આરોપીઓને પકડી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ૨૨ લાખ રોકડા અને સોનાની લગડીઓ તથા મોબાઈલ મળીને કુલ ૩૧.૩૭ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે.અલથાણ પોલીસની હદમાં આવેલી હીના બંગ્લોઝમાં ગત તા. ૩૦મી જૂને તસ્કર બંગ્લાની ટેરેસ ઉપરની સ્લાઇડીંગ બારી ખોલી રૂમમાં પ્રવેશ્યો હતો. અને કબાટમાંથી સોનાના દાગીનાની ચોરી કરી નાસી ગયો હતો. આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસે સીસીટીવીમાં ચોરની ઓળખ કરી તે ચોર અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલો ભોલાસીંગ હોવાની જાણ થઈ હતી. આરોપી ભોલાસીંગના ઘરે જઈ તપાસ કરતા મળી આવ્યો નહોતો. તેનો મોબાઈલ પણ બંધ હતો. બાદમાં પોલીસ તપાસમાં આરોપી તમામ ચોરીનો મુદ્દામાલ લઈ વેચવા માટે ઉત્તર પ્રદેશ લઈ નાસી ગયો હોવાની માહિતી મળી હતી. અલથાણના પીએસઆઈ વી.કે.પાટીલ અને તેમની ટીમ ઉત્તરપ્રદેશ ખાતે રવાના થઈ હતી.
અને આરોપીઓનું લોકેશન ટ્રેસ કરી કાનપુર ખાતેના મુસાનગર, નયાપુરવા ગામ પાસેના હનુમાન મંદીર પાસેથી આરોપી વિમલસીંગ ઉર્ફે ભોલાસીંગ મહેન્દ્રસીંગ જાતે ઠાકુર, બંટી જયસીંગ જાતે ઠાકુર, બીનુકુમાર ગંગાપ્રસાદ કેવટ અને સજ્જન છોટેલાલ કેવટને રોકડા ૨૨ લાખ તથા સોના, ચાંદીના દાગીના તથા મોબાઈલ સાથે પકડી પાડ્યા હતા.કાનપુર જિલ્લા કોર્ટમાં ૨જૂ કરી ટ્રાન્જીસ્ટ રિમાન્ડ મેળવી અત્રેની નામદાર કોર્ટમાં રજુ કરી તા.૧૨મી જુલાઈ સુધીને રિમાન્ડ મેળવ્યા છે. આ સાથે જ અલથાણ, ઉમરા અને ખટોદરામાં થયેલી ચોરીના ભેદ ઉકેલાયા હતા.