ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ૨૬ ડિસેમ્બરથી સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ પાર્કમાં રમાશે. આજ સુધી ભારત દક્ષિણ આફ્રિકામાં એકપણ શ્રેણી જીતી શક્યું નથી. આવી સ્થિતિમાં કોચ રાહુલ દ્રવિડ આ વખતે ઈતિહાસ બદલવામાં કોઈ કસર છોડવા માંગતા નથી. એટલા માટે તેનું ધ્યાન ટીમના સૌથી મહત્વપૂર્ણ બેટ્સમેન વિરાટ કોહલી પર છે. ૨૦૧૮માં છેલ્લી વખત જ્યારે કોહલી સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ પાર્કમાં ટેસ્ટ રમવા આવ્યો ત્યારે તેણે ૧૫૩ રનની શાનદાર ઇનિંગ રમી હતી. જાેકે, વિરાટની કેપ્ટનશીપની ઇનિંગ્સ છતાં ભારત ૧૩૫ રનથી ટેસ્ટ હારી ગયું હતું. આવી સ્થિતિમાં વિરાટ આ વખતે તે હારનો હિસાબ સરભર કરવા માંગશે. દરમિયાનમાં સેન્ચુરિયન ગ્રાઉન્ડ પર મેચ પહેલાં ભારતીય ટીમે જાેરદાર પ્રેક્ટિસ કરી છે. ગુરૂ દ્રવિડે કેપ્ટન કોહલીનો બરાબરનો ક્લાસ લીધો છે. રાહુલ દ્રવિડે સેન્ચુરિયન ટેસ્ટ માટે ખાસ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેનું ધ્યાન વિરાટ કોહલી પર છે. એટલા માટે ટીમના પહેલા નેટ સેશનમાં તેણે વિરાટનો અલગથી ક્લાસ લીધો હતો.BCCI દ્વારા આ પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં કોહલી નેટ પર બેટિંગની પ્રેક્ટિસ કરતો જાેવા મળે છે અને વચ્ચે દ્રવિડ તેને ટિપ્સ આપતો જાેવા મળે છે. વિરાટ પણ કોચ દ્રવિડને ગંભીરતાથી સાંભળતો જાેવા મળ્યો હતો. આ વીડિયોમાં ચેતેશ્વર પૂજારા, શ્રેયસ અય્યર અને રિષભ પંત પણ બેટિંગની પ્રેક્ટિસ કરતા જાેવા મળે છે. વિરાટ માટે આ પ્રવાસ કેપ્ટન તરીકે જેટલો મહત્વનો છે તેટલો જ એક બેટ્સમેન તરીકે પણ મહત્વનો છે. કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકાર્યાને ૨ વર્ષથી વધુ સમય થઈ ગયો છે.
તેણે છેલ્લે નવેમ્બર ૨૦૧૯માં કોલકાતામાં ડે-નાઈટ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. ત્યારબાદ તે કોઈપણ ફોર્મેટમાં સદી મારી શક્યો નથી. ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકાના છેલ્લા પ્રવાસ દરમિયાન વિરાટ કોહલી ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. તેણે ૩ ટેસ્ટમાં ૪૭થી વધુની એવરેજથી ૨૮૬ રન બનાવ્યા. જેમાં એક સદી અને એક ફિફ્ટીનો સમાવેશ થાય છે. જાેકે, દક્ષિણ આફ્રિકાએ ભારતને ટેસ્ટ શ્રેણીમાં ૨-૧થી હરાવ્યું હતું. વિરાટે અત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં ૫ ટેસ્ટમાં ૫૫થી વધુની એવરેજથી ૫૫૮ રન બનાવ્યા છે. રાહુલ દ્રવિડ સારી રીતે જાણે છે કે જાે આ વખતે ભારતે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતવી હોય તો વિરાટ કોહલીનું બેટ ચાલે તે સૌથી મહત્ત્વનું છે. ભારત ૨૯ વર્ષથી અહીં ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ઘર આંગણે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં પણ વિરાટ મોટી ઇનિંગ રમી શક્યો નહોતો.