ટીમ ઈન્ડિયા વતી આંતરરાષ્ટ્રીય સ્તરે રમી ચુકેલા પૂર્વ ક્રિકેટર દિનેશ મોંગિયા ભાજપમાં સામેલ થઈ ગયા છે. આગામી દિવસમાં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ તેમને આ ચૂંટણીમાં ઉમેદવાર બનાવે તેવી પણ સંભાવના છે.આજે ભાજપ કાર્યાલયમાં તેમને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે ભાજપનુ સભ્યપદ આપવામાં આવ્યુ હતુ. દિનેશ મોંગિયા પંજાબ વતી રમીને પોતાના ક્રિકેટ કેરિયરનો પ્રારંભ કર્યો હતો.૨૦૦૧માં તેમનો ઈન્ટરનેશનલ ડેબ્યુ થયો હતો અને ઓસ્ટ્રેલિયા સામે પોતાની વનડે કેરિયર શરુ કરી હતી. ૨૦૦૩માં વર્લ્ડકપ ટીમનો પણ મોંગિયા હિસ્સો રહી ચુકયા છે.છેલ્લે પંજાબ માટે તેઓ ૨૦૦૭માં રમ્યા હતા. એ પછી ૨૦૧૯માં મોંગિયાએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.