કુખ્યાત ગેંગસ્ટર છોટા રાજન સહિત, ચાર આરોપીઓને મુંબઇ સેશન કોર્ટે ખંડણી કેસમાં બે વર્ષની સજા સંભળાવી છે. વર્ષ 2015 માં પોલીસે પનવેલ સ્થિત બિલ્ડર નંદુ વાજેકર પાસે ગેરવસૂલી રકમની માંગ માટે કેસ નોંધ્યો હતો.
મળતી માહિતી મુજબ, પનવેલના બિલ્ડર નંદુ વાજેકરે, પુણેમાં જમીન ખરીદી હતી. આ જમીનની ખરીદી બાદ નંદુ વાજેકરે, દલાલ પરમાનંદ ઠક્કરને બે કરોડ રૂપિયાની દલાલી આપી હતી. પરંતુ ઠક્કર બિલ્ડર પાસેથી વધુ દલાલીની માંગ કરી રહ્યા હતા. જ્યારે બિલ્ડરે ઠક્કરને, વધુ દલાલી આપવાની ના પાડી, ત્યારે દલાલ ઠક્કરે છોટા રાજનનો સંપર્ક કર્યો. આ પછી છોટા રાજન અને તેના સાથી સુરેશ શિંદે ઉર્ફે લક્ષ્મણ, નિકમ ઉર્ફે દાદ્યા અને સુમિત વિજય હ્માત્રે બિલ્ડર પાસે 26 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આ ચારેયએ ગેરવસૂલી રકમ ચૂકવી ન હોવાથી બિલ્ડરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે કોર્ટમાં આ કેસમાં સીસીટીવી ફૂટેજ રજૂ કર્યા હતા.