ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું દસ્તક દઇ રહ્યું છે. ખાસ કરીને વરસાદ પડે અને તરત જ સ્વાદપ્રિય ગુજરાતી ચોમાસામાં તૈયાર મળતાં દાળવડાં, ભજિયાં, કચોરી, સમોસાં, ગાંઠિયાની લિજ્જત માણવા નીકળી પડે છે. ક્યાંક આ ગરમાગરમ નાસ્તા ઘરે ઘરે પણ બનતા હોય છે. આ દરેક વસ્તુ બનાવવા માટે તેલનો વપરાશ વધી જતો હોય છે. પરિણામે ખરીદીનું પ્રમાણ વધતું રહે છે. હવે ખરીદી નીકળે તે પૂર્વે જ ચોમાસામાં ખાદ્યતેલના ભાવ ફરી એક વખત લોકોને દઝાડી રહ્યા છે.
ગઈ કાલે સિંગેતલ ડબાના ભાવે રૂ.૨૮૦૦ની સપાટી કુદાવી હતી અને ભાવ રૂ.૨૮૨૦નો થયો હતો, જેના કારણે મધ્યમવર્ગની કમર રીતસર તૂટી ગઈ છે. સિંગતેલની સાથે સાથે અન્ય સાઇડ તેલમાં પણ ભાવવધારો જાેવા મળ્યો હતો. ખાદ્યતેલમાં ૧૦ દિવસ પહેલાં તેજી-મંદી બંને જાેવા મળી રહી હતી, પરંતુ છેલ્લા ૨-૩ દિવસથી ભાવ વધવાનું પાછું શરૂ થયું છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન સિંગતેલ, કપાસિયા અને પામોલીનમાં રૂ.૨૦નો ભાવવધારો થયો છે.
જાેકે વરસાદી સિઝનમાં જણસીની આવક પણ પ્રભાવિત થશે. આ વખતે જીરુંનો ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યો છે. સોમવારે ભાવવધારો આવતાં ભાવની સપાટી રૂ.૧૨,૦૦૦ એ પહોંચી છે. જ્યારે મગફળીનો ભાવ રૂ.૧૬૨૭રહ્યો હતો. ધીમે ધીમે નવી મગફળીની આવક વધશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.
ગઈ કાલે સિંગતેલના ડબાદીઠ ભાવ રૂ.૧૭૭૫ થી રૂ.૨૮૨૫ રહ્યા છે, કપાસિયા તેલના ભાવ રૂ.૧૬૪૫થી રૂ.૧૬૯૫ છે. પામોલીન તેલના ભાવ રૂ. ૧૪૨૦થી રૂ.૧૪૨૫ છે અને સરસવ તેલના ભાવ રૂ. ૧૫૮૦થી રૂ.૧૬૦૦ છે, જયારે કોર્ન ઓઈલના ભાવ રૂ.૧૫૦૦થી રૂ.૧૫૩૦છે. વનસ્પતિ ઘીના ભાવ રૂ. ૧૫૫૦થી રૂ.૧૬૦૦ છે. કોપરેલના ભાવ રૂ. ૨૩૪૦થી રૂ.૨૩૮૦ અને દિવેલના ભાવ રૂ.૨૦૪૦થી રૂ. ૨૦૫૦ રહ્યા છે.
ગૃહિણીઓ માટે રાહતના સમાચાર એ હતા કે મે માસ એટલે કે ગત માસે સિંગતેલના ભાવમાં ૫૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. સિંગતેલના ૧૫ કિલો ડબાનો ભાવ રૂ.૨૭૫૦ રહ્યો હતો. જ્યારે કપાસિયા તેલના ડબાનો ભાવ રૂ.૧૫૨૦ સુધી પહોંચ્યો હતો. ગત વર્ષે પણ આ સિઝનમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ સરખા હતા. જ્યારે આ વર્ષે કપાસિયા તેલ કરતાં સિંગતેલના ભાવમાં ૧૦૦૦ રૂપિયાનો વધારો થયો છે.
ગત માસમાં એક અઠવાડિયામાં જ ૫૦ રૂપિયાનો ઘટાડો થયો હતો.બજારમાં મંદી અને સાથે જ અન્ય તેલીબિયાંના ભાવમાં ઘટાડો થયો હોવાના કારણે વેપારીઓએ તેલના ભાવમાં ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું. હવે ચોમાસાની સિઝનમાં ફરી સિંગતેલની ખરીદી વધી રહી છે એટલું જ નહીં તહેવારોની સિઝન અને વ્રતનો મહિનો તથા અધિક મહિનો પણ નજીક આવી રહ્યા છે. આમ તહેવારો પૂર્વે જ તેલના ભાવમાં ફરી વધારો થતાં ગૃહિણી નારાજ છે.