ગુજરાતમાં કોરોના વાયરસે ફરી એકવાર રફ્તાર પકડી લીધી છે અને કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૪૨૪ નવા કેસ નોંધાયા છે. આમ, બરાબર એક મહિના બાદ રાજ્યમાં કોરોનાના દૈનિક કેસનો આંક ૪૦૦ને પાર થયો છે. ગુજરાતમાં હાલ ૧,૯૯૧ એક્ટિવ કેસ છે જ્યારે ૩૫ દર્દી વેન્ટિલેટર પર છે. બરાબર એક સપ્તાહ અગાઉ ૧૮ ફેબુ્રઆરીના ગુજરાતમાં ૧,૬૯૬ એક્ટિવ કેસ હતા. આમ, એક્ટિવ કેસના પ્રમાણમાં અંદાજે ૩૦ %નો વધારો થયો છે.
રાજ્યમાં હાલ કોરોનાના કુલ કેસનો આંક ૨,૬૮,૫૭૧ છે જ્યારે છેલ્લા એક સપ્તાહમાં જ કોરોનાના નવા ૨,૨૭૪ કેસ નોંધાયા છે. આ ઉપરથી જ રાજ્યમાં કોરોનાની ગંભીર સ્થિતિનો અંદાજ મેળવી શકાય છે. છેલ્લા ૨૪ ંકલાકમાં રાજ્યના જે જિલ્લામાં કોરોનાના વધુ કેસ સામે આવ્યા છે તેમાં વડોદરા ૮૯ સાથે મોખરે છે. વડોદરા શહેરમાં ૭૯ જ્યારે ગ્રામ્યમાં ૧૦ નવા કેસનો સમાવેશ થાય છે. સુરત શહેરમાં ૭૯-ગ્રામ્યમાં ૮ સાથે ૮૭, અમદાવાદ શહેરમાં ૭૧-ગ્રામ્યમાં ૪ સાથે ૭૫ નવા કેસ નોંધાયા છે. આમ, કોરોનાના કુલ કેસનો આંક હવે વડોદરામાં ૨૯,૬૫૯-સુરતમાં ૫૩,૫૭૬ અને અમદાવાદમાં ૬૨,૪૬૮ છે. અન્ય જિલ્લાઓ કે જ્યાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૬૩ સાથે રાજકોટ, ૧૧ સાથે જામનગર-કચ્છ, ૧૦ સાથે ગાંધીનગર, ૭ સાથે ભાવનગર-જુનાગઢ-ખેડા, ૬ સાથે મહીસાગર-નર્મદાનો મુખ્યત્વે સમાવેશ થાય છે. બનાસકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પાટણ, પોરબંદર, તાપી એમ ૭ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.
છેલ્લા ૨૪ કલાકમાં એકમાત્ર મૃત્યુ અમદાવાદમાં નોંધાયું હતું. આ સાથે જ કોરોનાથી કુલ મરણાંક ગુજરાતમાં ૪,૪૦૮ જ્યારે અમદાવાદમાં ૨,૩૧૧ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૮૬-સુરતમાંથી ૫૦ અને વડોદરામાંથી ૬૭ એમ રાજ્યભરમાંથી કુલ ૩૦૧ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૬૨,૧૭૨ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૯૭.૬૨% છે.