અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી અમદાવાદ શહેરને રેલ્વે ક્રોસિંગ,ઝૂંપડપટ્ટી અને પ્રદુષણમુક્ત અમદાવાદ બનાવવા ઉપરાંત શહેરમાં અનેકવિધ વિકાસલક્ષી કામો કરવાનું વચન આપ્યુ હતું.
સાથે સાથે અમદાવાદ શહેરને ગ્રીનસિટીનું સ્વરૂપ આપવા ઉપરાંત વર્ષ 2030માં અમદાવાદ શહેરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પાણી,રસ્તા,ગટર,સફાઇ સહિત આરોગ્યલક્ષી સેવાઓને સર્વે કરવાની જાહેરાત કરી હતી. જોકે, ચૂંટણી ઢંઢેરામાં ગત વખતે જાહેર કરાયેલી વાતો જ ફરી દોહરાવાઇ હતી. ભાજપે ચૂંટણી ઢંઢેરામાં નવી કોઇ જાહેરાત કરી ન હતી.
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સંકલ્પ પત્ર-2021 જાહેર કરતાં ભાજપના નેતા આઇ.કે.જાડેજાએ જણાવ્યું કે,વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોની મદદ લઇ ચૂંટણી ઢંઢેરાને ઓપ અપાયો છે.
અમદાવાદ શહેરનો સમતોલ વિકાસ અને નાગરિકોને સારી સુવિધા મળી રહે ભાજપનો ધ્યેય છે.અમદાવાદ શહેરમાં ગ્રીનકવર વધારવાના સંકલ્પ સાથે મિલિયન ટ્રી કાર્યક્રમ અમલી બનાવાશે.પ્રદુષણ ઘટાડવા ઇલેકટ્રીક વાહનોનો વધુ વપરાશ થાય તેવો પ્રયાસ કરાશે. સાયકલનો વપરાશ વધે તેવા પ્રયાસ સાથે સાઇકલ ટ્રેક બનાવાશે.
ગ્રીન બિલ્ડીંગનો કન્સેપ્ટ અમલી થશે.મ્યુનિ.કોર્પોરેશનની બિલ્ડીંગોને ગ્રીન બિલ્ડીગ બનાવાશે. શ્રમજીવી-સિનીયર સિટીજનોના હેલૃથ ચેકઅપ કરાશે. નવા પશ્ચિમ-પૂર્વ વિસ્તારમાં આધુનિક હોસ્પિટલનુ નિર્માણ કરવામાં આવશે. ઘરઆંગણે તબીબી સુવિધા મળે તે માટે ધનવતંરી રથનો વ્યાપ વધારાશે.
શહેરમાં 100 ટકા નલ સે જલ યોજના અમલી બનાવવા આયોજન કરાયું છે.સોસાયટીમાં ઘન કચરાનો નિકાલ કરવા કોમ્પેક્ટ મશીન મૂકાશે.સોસાયટીમાં વોટર મિટરની સબસિડી યોજના લાગુ કરવા પણ ભાજપે વચન આપ્યુ છે. હેરિટેજ મકાનોને પોપર્ટી ટેક્સમાં રાહત અપાશે. હોસ્પિટલોમાં ઓડિટ સિસ્ટમ લાગુ કરાશે.
વિધવા-ત્યકતાઓને એએમટીએસમાં વિના મૂલ્યે પ્રવાસની સુવિધા અપાશે.એક પ્રવાસ એક ટિકિટની યોજના અમલી બનશે, શહેરમાં ઝૂંપડપટ્ટી જ ન રહે તે માટે અમદાવાદને 0 સ્લમ સિટી બનાવાશે.
રિવરફ્રન્ટ પર શહેરીજનો માટે અનેરૂ નજરાણુ બની રહે તે માટે થીમ બેઝ ગાર્ડન,એક્ટિવિટી સેન્ટર,લાઇટ એન્ડ સાઉન્ડ શો,ટ્રેડિશનલ માર્કેટ સહિત સ્પોર્ટસ કોમ્પલેક્સ બનાવવા ભાજપે નેમ વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છેકે, ચૂંટણી ઢંઢેરામાં માત્ર વચન- વાયદાની વણઝાર છે કેમકે, નવી કોઇ જાહેરાત કરાઇ જ કરાઇ નથી.