ટીવીની લોકપ્રિય સીરિયલોની વાત કરવામાં આવે તો અત્યારે લોકો અનુપમા સીરિયલ જાેવાનું ખૂબ પસંદ કરે છે. મોટાભાગના ઘરોમાં આ સીરિયલ જાેવાતી હોય છે. અનુપમા, વનરાજ શાહ, કાવ્યા, અનુજની આ સ્ટોરી લોકોને પસંદ આવી રહી છે. આ સીરિયલમાં અનુપમાના પૂર્વ પતિ વનરાજ શાહનું પાત્ર ભજવતા અભિનેતા સુધાંશુ પાંડે તાજેતરમાં જ વારાણસીની મુલાકાત લીધી હતી. વારાણસી વિષે વાત કરતાં સુધાંશુએ કહ્યું કે, તાજેતરમાં જ બનાવવામાં આવેલા કાશી વિશ્વનાથ કોરિડોર માટે એક વીડિયો શૂટ કરવા હું વારાણસી ગયો હતો. હું લગભગ ૨૦ વર્ષ પહેલા અહીં આવ્યો હોઈશ, તે સમયે મેં વધારે સમય પસાર નહોતો કર્યો. પરંતુ આ વખતે શૂટિંગને કારણે મને મંદિરો, ઘાટ અને બોટ રાઈડનો પણ લ્હાવો મળ્યો. આ મુલાકાત દરમિયાન મેં સારી રીતે બનારસના દર્શન કર્યા. ઉલ્લેખનીય છે કે અત્યારે ટીવી સીરિયલ અનુપમામાં અનુજ કપાડિયાનો ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે, સાથે જ એવી અટકળો ચાલી રહી છે કે સુધાંશુ આ સીરિયલ છોડવાનો છે. આ અટકળોનો ખુલાસો આપતા સુધાંશુએ જણાવ્યું કે, હું અનુપમા સીરિયલ છોડું તેવો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો. હું લગભગ દોઢ વર્ષ પછી મારા પરિવાર સાથે રજાઓ માળવા દુબઈ ગયો હતો. એક ઓટીટી પ્રોજેક્ટના શૂટ માટે હું બે દિવસ માટે રાજસ્થાન ગયો હતો. લોકોને લાગ્યું કે મેં સીરિયલ છોડી દીધી છે.
આ વાત આગની જેમ ફેલાઈ ગઈ. મારું જે પાત્ર છે વનરાજ શાહ, તે આ સીરિયલનો હીરો છે અને હંમેશા હીરો રહેશે. જ્યારથી ગૌરવ ખન્નાની સીરિયલમાં એન્ટ્રી થઈ છે ત્યારથી એવી પણ વાતો સામે આવી રહી છે કે માત્ર સ્ક્રીન પર જ નહીં સેટ પર પણ ગૌરવ અને સુધાંશુ વચ્ચે મતભેદ જાેવા મળી રહ્યા છે. સુધાંશુ અનુજ કપાડિયાની સ્ટોરીલાઈનથી ખુશ નથી. જાે કે સુધાંશુ આ બાબતે જણાવે છે કે, લોકોએ સમજવાની જરૂર છે કે તમે એક જ સ્ટોરીલાઈન સાથે શૉને આગળ ના વધારી શકો. આ પહેલા પણ થોડા સમય માટે અપૂર્વ અગ્નિહોત્રીને લાવવામાં આવ્યો હતો. જાે કોઈ સીરિયલ વર્ષો સુધી ચાલવાની હોય તો દરરોજ એકના એક ચહેરા દર્શકોને ના બતાવી શકાય. જ્યાં સુધી ઈનસિક્યોરિટીની વાત છે, મેં ઈન્ડસ્ટ્રીમાં ઘણાં વર્ષોથી કામ કર્યું છે, માટે આ પ્રકારની સમસ્યા મને નથી થતી. ઘણાં ઓછા લોકો જાણતા હશા કે રાજન મારો જૂનો મિત્ર છે અને ચેનલ સાથે ડીલ કરતા પહેલા જ તે મારી પાસે આવ્યો હતો. તેણે એવુ કહ્યુ હતું કે જાે હું હા કહીશ તો જ તે શૉ બનાવશે. મારા માટે આ ઘણી મોટી વાત છે.