ગૃહિણીઓના રસોડામાંથી ટમેટા ધીરે ધીરે ગાયબ થવા લાગ્યા છે. તેનું કારણ છે ટમેટાના વધેલા ભાવ. બજારમાં ટમેટા ૧૦૦ થી ૧૨૦ રૂપિયાના કિલો થઈ ગયા છે જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ટમેટાના ભડકે બળતા ભાવ વચ્ચે ગૃહિણીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટમેટાના વધેલા ભાવ અસ્થાયી સમસ્યા છે અને તે ટૂંક સમયમાં જ ઘટી શકે છે.
ટમેટાના વધતા ભાવને લઈને ઉપભોક્તા વિભાગના સચિવ રોહિત કુમારનું કહેવું છે કે ટમેટાના ભાવમાં ઉછાળો અસ્થાયી સમસ્યા છે. જે વરસાદના કારણે સર્જાઈ છે. દર વર્ષે આ સમય દરમિયાન આવું થાય છે. હાલ ટમેટાના ભાવ વધ્યા છે તેનું કારણ અચાનક આવેલો વરસાદ છે. પરંતુ ટૂંક સમયમાં જ સ્થિતિ સામાન્ય થઈ જશે. દેશના ચાર મેટ્રો શહેરની વાત કરીએ તો દિલ્હીમાં ટમેટાના ભાવ ૬૦ રૂપિયા પ્રતિ કિલો, મુંબઈમાં ૪૨ રૂપિયા પ્રતિ કિલો, કલકત્તામાં ૭૫ રૂપિયા પ્રતિ કિલો અને ચેન્નઈમાં ૬૭ રૂપિયા પ્રતિ કિલો નોંધાયા છે. જ્યારે ઉત્તર પ્રદેશના ગોરખપુર અને કર્ણાટકમાં ટમેટાના ભાવ ૧૨૨ રૂપિયા પ્રતિ કિલો નોંધાયા છે. ગુજરાતમાં પણ ટમેટાના ભાવ ૧૦૦ રૂપિયાને પાર પહોંચવા જઈ રહ્યા છે.
દિલ્હી એનસીઆરમાં દૂધ તેમજ ફળ અને શાકભાજીનું વેચાણ કરતી મધર ડેરીના સ્ટોર પર ટમેટાના ભાવ એક અઠવાડિયામાં જ બમણા થઈ ગયા છે અને ૪૦ થી ૮૦ રૂપિયા પહોંચી ગયા છે. મધર ડેરીનું કહેવું છે કે ટમેટાના પ્રમુખ ઉત્પાદક વિસ્તારોમાં વરસાદના કારણે ટમેટાની આવકમાં ઘટાડો થયો છે અને તેના કારણે ભાવમાં વધારો થયો છે. અચાનક આવેલા વરસાદના કારણે ટમેટાનો પાક પ્રભાવિત થયો છે જેના કારણે માંગની સરખામણીમાં આવક ઘટી ગઈ છે.
રાજધાની દિલ્હીમાં છૂટક શાકના વેપારીઓ ટમેટાને ૮૦ થી ૧૨૦ રૂપિયા પ્રતિ કિલો ના ભાવ પર વેચી રહ્યા છે. ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ જાેવા મળી રહી છે. ગૃહિણીઓ માટે ચિંતાજનક વાત એ છે કે ૧૫ જૂન સુધી જે ટમેટા ૩૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચાતા હતા તે થોડા જ દિવસોમાં ૬૦, ૮૦ અને હવે ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે.