છેલ્લા એક વર્ષની અંદર અહીંથી ચાર વખત અફીણ, ચરસ જેવા માદક દ્રવ્યોની હેરાફેરી ઝડપાઇ ચૂકી છે
બનાસકાંઠા,
ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલા બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી ચરસની હેરાફેરી ઝડપાઇ છે. જેમાં ભાડેથી કરેલી ઇનોવા કારમાં બે કિલો ચરસના જથ્થાની ગોવા ડિલિવરી આપવા જતો હરિયાણાનો એક શખ્સ ઝડપાઇ ગયો છે. બનાસકાંઠાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પરથી બુધવારે ફરી એકવાર ચરસના જથ્થા સાથે એક શખ્સની અટકાયત થઈ હોવાની ઘટના સામે આવી છે.
અમીરગઢ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવી રહેલી પંજાબ પાર્સિંગની એક ઈનોવા કાર શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તેને અટકાવીને તલાશી લીધી હતી. તપાસ કરતા ઈનોવા કારમાંથી અંદાજે બે કિલો ચરસનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જે બાદમાં પોલીસે ચરસના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સ હરિયાણાનો રહેવાસી સુખપ્રીત સિંઘ હતો.
સુખપ્રીત ચરસનો આ જથ્થો હરિયાણાથી લઇ ગોવા ડિલિવરી આપવા માટે નીકળ્યો હતો. જાેકે, સુખપ્રીત ગોવા પહોંચે તે પહેલા જ અમીરગઢ બોર્ડર પર સ્થાનિક તેમજ એસ.ઓ.જી પોલીસની બાઝ નજરને કારણે ઝડપાઇ ગયો હતો. પોલીસે ઈનોવા કાર, ચરસનો જથ્થો તેમજ એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર ખૂબ સંવેદનશીલ ગણાય છે. છેલ્લા એક વર્ષની અંદર અહીંથી ચાર વખત અફીણ, ચરસ જેવા માદક દ્રવ્યોની હેરાફેરી ઝડપાઇ ચૂકી છે. ચૂંટણી સમયે ફરી એકવાર પોલીસની સતર્કતાને કારણે ચરસની હેરાફેરીને પોલીસે આબાદ ઝડપી પાડી છે.