ગુજરાતમાં વિધાનસભા અને લોકસભાની બેઠકોમાં વધારો થશે પરંતુ તેના માટે હજી છ વર્ષની રાહ જોવી પડે તેમ છે, કારણ કે રાજ્યમાં હવે પછીનું બેઠકોનું સિમાંકન 2026માં થવાનું છે. ચૂંટણી પંચના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતમાં નવું સિમાંકન થતાં વિધાનસભાની હાલની 182 બેઠકો થી વધીને 230 બેઠકો થવાની છે જ્યારે લોકસભામાં 26 થી વધીને 33 બેઠકો થવાનો અંદાજ છે.
રાજ્યના માહિતી અધિનિયમ પ્રમાણે બેઠકો અંગેની માહિતી માગવામાં આવી હતી જેમાં ચૂંટણી પંચે જણાવ્યું છે કે બેઠકોનું નવું સિમાંકન 2026 પછી થશે. ગુજરાતમાં વસતીના આધારે વિધાનસભા અને લોકસભાની બેઠકોનું સિમાંકન કરવામાં આવે છે. આ સિમાંકનમાં જ્ઞાતિવાર વસતી પણ જોવામાં આવે છે. એટલે કે એસટી અને એસસી બેઠકોની ફાળવણી પણ કરવાની થતી હોય છે. આ પ્રક્રિયા ખૂબ લાંબી હોય છે અને પાર્લામેન્ટમાં સુધારો કરવો પડે છે.
ગુજરાતમાં હાલ 2001ની વસતીના આધારે 2006માં સિમાંકન કરવામાં આવ્યું છે. હવે 2026માં સિમાંકન થશે ત્યાં સુધી બેઠકોમાં કોઇ ફેરફાર થઇ શકે નહીં. રાજ્યમાં વિધાનસભાની સામાન્ય બેઠકોની સંખ્યા 142 છે જ્યારે બાકીની અનામત બેઠકો છે, જ્યારે લોકસભામાં સામાન્ય બેઠકોની સંખ્યા 20 છે જ્યારે બે બેઠકો એસસી અને ચાર બેઠકો એસટી માટે અનામત છે.
નવું સિમાંકન જ્યારે થશે ત્યારે વિધાનસભા અને લોકસભાની કુલ બેઠકો પૈકી કેટલીક અનામત બેઠકો સામાન્ય થઇ શકે છે જ્યારે સામાન્ય બેઠકો પૈકી કેટલીક બેઠકો અનામત થશે. ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું હતું કે આ બેઠકોમાં ફેરફાર 2026 પછી થવાની સંભાવના છે. એટલે કે 2024માં લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે પણ ગુજરાતમાં લોકસભાની બેઠકોની સંખ્યા 26 રહેશે જ્યારે વિધાનસભાની ચૂંટણી 2022માં યોજાશે ત્યારે પણ બેઠકોની સંખ્યા 182 રહેશે પરંતુ 2027માં ગુજરાત વિધાનસભાની બેઠકો 230 અને 2029માં લોકસભાની બેઠકો 33 હશે.