રાજ્યમાં કોરોનાના કેસ કાબૂમાં આવ્યા બાદથી ક્રમશ: સ્કૂલોમાં અભ્યાસ શરુ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કોલેજો ઉપરાંત ધોરણ 10, 12, અને ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓની સ્કૂલો શરુ થઈ ગઈ છે, ત્યારે હવે અન્ય પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ અભ્યાસ 1 માર્ચની આસપાસ શરૂ કરવા વિચારણા શરુ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં ઉનાળુ વેકેશન ટૂંકાવીને નવું શૈક્ષણિક સત્ર પણ વહેલું શરૂ કરવા માટે નું એકેડેમિક કેલેન્ડર બની રહ્યું છે.
ગુજરાત ના શિક્ષણ વિભાગ માં ચાલતી ચર્ચા અનુસાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ સરકાર હવે ધોરણ 1થી 4 અને 5થી 8ના અભ્યાસ અને પરીક્ષા લેવા માટે વિચારણા કરી રહી છે. સૂત્રોનું જણાવવું છે કે હવે ચૂંટણી બાદ ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લઈ તેના આધારે પરિણામ જાહેર કરવાની વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત આગામી શૈક્ષણિક સત્ર પણ વહેલું શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ઉનાળુ વેકેશન પણ વિદ્યાર્થીઓને લાંબુ આપવામાં આવશે નહીં. જો કે આ અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.
આ અંગે સરકાર અને શિક્ષણ વિભાગ વિચારણા કરી રહ્યા છે. સત્તાવાર જાહેરાત સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી પુરી થયા બાદ થશે.ગુજરાતમાં કોરોનાના ઘટતા કેર વચ્ચે રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓ શરૂ કરવા તૈયારીઓ શરૂ કરી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે ગત 9 ફેબ્રુઆરીથી તમામ પ્રાથમિક શિક્ષકોને શાળામાં હાજર રહેવા આદેશ કર્યો હતો. અત્યાર સુધી પ્રાથમિક સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકોને રોટેશન મુજબ બોલાવવામાં આવતા હતા. પરંતુ હવે તમામ શિક્ષકોને બોલાવવામાં આવ્યા છે.આ ઉપરાંત તમામ પ્રાથમિક સ્કૂલોનો સમય સવારના બદલે પૂર્ણ સમયનો કરવા આદેશ આપવામાં આવ્યો છે.
2020ના વર્ષના માર્ચ મહિનાથી કોરોનાનું સંક્રમણ વધવાને કારણે રાજ્યમાં સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરી દેવામાં આવ્યું હતું અને ઓનલાઈન શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ત્યારે છેલ્લા 10 મહિનાથી બંધ કોલેજો ગત 8મી ફેબ્રુઆરીએ ખુલી ગઈ હતી.