દરેક આદિવાસી જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે છોટાઉદેપુર: ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પૂર્વપટ્ટીમાં વસતા આદિજાતિ સમાજના લોકોના વિકાસની હરહંમેશ ચિંતા કરવામાં આવી રહી છે. આગામી પાંચ વર્ષમાં રાજયના દરેક આદિવાસી જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવાનું રાજય સરકારે નકકી કર્યું છે એમ રાજયના કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજયમંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું.
છોટાઉદેપુર ખાતે આવેલા સ્વામિનારાયણ સત્સંગ હોલમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી પરમારે જણાવ્યું હતું કે, પ્રકૃતિના સાંનિધ્યમાં રહી પ્રકૃતિને જ દેવ તરીકે પૂજતા, પ્રકૃતિ માતાના ખોળે આદિકાળથી પોતાની સાંસ્કૃતિક વિરાસત અને જીવનમૂલ્યો સાચવીને બેઠેલા આદિવાસી સમાજના સુવર્ણ ઇતિહાસ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસીઓના બલિદાન અંગે વાત કરી તેમણે છોટાઉદેપુરમાં વસતા તમામ આદિવાસી સમાજના લોકોને આદિવાસી દિનની શુભકામના પાઠવી હતી.
તેમણે રાજય સરકાર દ્વારા આદિવાસી સમાજના આર્થિક, સામાજીક, શૈક્ષણિક સહિત સર્વાંગી વિકાસ માટે અમલી અનેકવિધ યોજનાઓ તેમજ તે યોજનાઓ અંતર્ગત બજેટમાં કરવામાં આવેલી જોગવાઇ અને કરવામાં આવેલા ખર્ચ અંગે વિગતવાર જાણકારી આપી છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આદિવાસી સમાજના વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો વિગતે ચિતાર રજૂ કરી તેમણે જિલ્લાના ૨૨ આદિવાસી વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવામાં માટે રૂા. ૨૯૦ લાખની લોન આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે રાજપીપળા ખાતે શરૂ કરવામાં આવેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટી અંગે માહિતી આપી, વિશ્વ આદિવાસી દિન નિમિત્તે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
ઉપરાંત તેમણે રાજય સરકાર દ્વારા જે વિકાસની વણથંભી વિકાસયાત્રા ચલાવવામાં આવી રહી છે તે અંગે છણાવટ કરી રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે રાજયના આદિવાસી વિસ્તારમાં ૪૭૫.૩૨ કરોડના ૧૯૬ કામોનું લોકાર્પણ અને ૧૧૫૮.૯૦ કરોડના ૬૩ કામોનું ખાતમુહૂર્ત મળી ૧૬૦૦ કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ એક દિવસમાં કર્યું હોવાનું જણાવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી. મલકાબેન પટેલે પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરી રાજય સરકાર દ્વારા આદિવાસી સમાજના વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરીની સરાહના કરી ઉપસ્થિત સૌને આદિવાસી દિન અંગે શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવોએ સ્ટેજ પરથી લાભાર્થીઓને મંજુરી હુકમો, ચેક, કીટ અને સન્માનપત્રો એનાયત કર્યા હતા. વિશ્વ આદિવાસી નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં સ્વામિનારાયણ હોલ ખાતે કાર્યક્રમમાં ૩૩૨ લાભાર્થીઓ, જેતપુર પાવી ખાતે નર્મદા અને શહેરી ગૃહનિર્માણ રાજયમંત્રી યોગેશભાઇ પટેલની અધ્યક્ષતામાં આયોજીત કાર્યક્રમમાં ૪૭૦ લાભાર્થી, મામલતદાર કચેરી, કવાંટ ખાતે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટરીઝના ચેરમેન મધુભાઇ શ્રીવાસ્તવની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં ૨૮૩ લાભાર્થી અને મામલતદાર કચેરી, નસવાડી ખાતે ધારાસભ્ય અભેસિંહભાઇ તડવીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ૬૬૦ લાભાર્થીઓ મળી ૧૭૪૫ લાભાર્થીઓને વિશ્વ આદિવાસી દિન નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલા ચાર કાર્યક્રમો દરમિયાન લાભ આપવામાં આવ્યા હતા.
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં રાજપીપળા ખાતે આયોજીત રાજયકક્ષાના વિશ્વ આદિવાસી દિન અને બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીના ખાતમુહૂર્ત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી તેમજ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટી અંગેની ટુંકી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા પ્રાયોજના વહીવટદાર વી.સી.ગામીતે કાર્યક્રમનો આશય સ્પષ્ટ કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમની આભારવિધિ શિક્ષણ નિરીક્ષક ઇમરાન સોનીએ આટોપી હતી.