ગુજરાતના વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફારો આવી રહ્યાં છે. આ ફેરફારો ટૂંકસમયમાં થાય તેવી સંભાવના છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટાપાયે બદલીઓ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ઓગષ્ટ મહિનાના મધ્યમાં બદલીના ઓર્ડર થાય તેમ છે.
મુખ્યમંત્રીએ તાજેતરમાં પાંચ પ્રિન્સિપલ સેક્રેટરીને એડિશન ચીફ સેક્રેટરી તરીકે પ્રમોશન આપ્યાં પછી હવે વહીવટી તંત્રમાં બદલીની કવાયત શરૂ કરી છે. સચિવાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વખતે સામૂહિક 50થી વધુ ઓર્ડર થાય તેવી સંભાવના છે.
ગુજરાત સરકારના કેટલાક વિભાગોના વધારાના હવાલા દૂર કરીને કાયમી પોસ્ટીંગ આપવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ એમકે દાસને મુખ્યમંત્રી કાર્યાલય અને ઉદ્યોગ વિભાગ એમ બેવડા વિભાગ આપવામાં આવેલા છે, આ બન્ને પૈકી એક ચાર્જમાંથી મુક્ત કરવામાં આવે તેવી સંભાવના છે.
બીજી તરફ અધિક મુખ્યસચિવ પીકે પરમારની નિવૃત્તિથી કૃષિ વિભાગના અધિક મુખ્યસચિવનું પદ ખાલી પડ્યું છે પરંતુ અત્યારે પશુપાલનના મનીષ ભારદ્વાજને વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. એવી જ રીતે એમએસ ડાંગુરનો કાર્યકાળ પણ પૂર્ણ થતાં તેમની જગ્યાનો ચાર્જ નાણાં વિભાગના એડિશનર ચીફ સેક્રેટરી પંકજ જોષીને આપવામાં આવેલો છે.
રાજ્યમાં પોર્ટ અને ટ્રાન્સપોર્ટ તેમજ ઇન્ડસ્ટ્રીઝ અને માઇન્સનું પદ પણ વધારાના હવાલમાં ચાલી રહ્યું છે. જીએમડીસીના એમડી અરૂણ સોલંકી જિયોલોજી એન્ડ માઇન્સનો વધારાનો ચાર્જ સંભાળી રહ્યાં છે. સરકારમાં જ્યાં વધારાના ચાર્જ છે તે જગ્યાઓએ પૂર્ણ નિયુક્તિ થાય તેવી સંભાવના છે.
રાજ્યમાં જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરોમાં પણ મોટો બદલાવ આવી રહ્યો છે. એક વર્ષની રજા પરથી પરત આવેલા 2003ની કેડરના પી સ્વરૂપને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકેને મૂકવામાં આવે તેવી અટકળો છે. જો કે તેમના માટે બીજી જગ્યા જિયોલોજી એન્ડ માઇન્સ છે.