કેટલાક સમયથી રોફ જમાવવા માટે સુખી ઘરના નબીરાઓ બુલેટના (Bullet) સાઈલેન્સર બદલાવી ધ્વનિ પ્રદુષણ ફેલાવી રહ્યા છે. માર્ગો પર રમરમાટ દોડાવી કાનનાં પડદાં ફાટી જાય તેવો અવાજ ફેલાવી ધ્વનિ પ્રદુષણ કરનારાઓ સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત થતાં આખરે દરેક જિલ્લામાં તંત્ર સાબદુ બન્યું છે. અરવલ્લીમાં પોલીસે ડ્રાઈવ યોજી મોડાસામાંથી (Modasa) એક જ દિવસમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતાં પાંચ બુલેટ જપ્ત કરવામાં આવ્યા છે અને દંડ ફટકારવામાં આવ્યો છે.
મોડાસામાં બુલેટના સાઈલેન્સર બદલાવી તીવ્ર અવાજને કારણે ધ્વન પ્રદૂષણ ફેલાવતાં ચાલકો સામે પોલીસે લાલ આંખ કરવા માડી છે. શહેરના માર્ગો પર આવા અનેક બુલેટ ફરી રહ્યા છે. જેમાં સાઈલેન્સર બદલી તીવ્ર અવાજ અને ફટાકા બોલે તેવા સાઈલેન્સર ફીટ કરવામાં આવી રહ્યા છે. આવા તીવ્ર અવાજ ધરાવતા બુલેટને કારણે માર્ગો ઉપર અન્ય વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. સાઈલેન્સરનો ઉંચો અવાજ હોય નાના બાળકો તો રીતસરના ફફડી ઉઠે છે. કેટલાક કિસ્સાઓમાં તો બાજુમાંથી આવું વાહન પસાર થઈ જાય તો અન્ય વાહનચાલકો સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દે છે, અને અકસ્માતની સંભાવના રહે છે.
ત્યારે આ રીતે ધ્વનિ પ્રદુષણ ફેલાવતા બુલેટ જપ્ત કરવા અરવલ્લીમાં 18 ફેબ્રુઆરી સુધી ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. મોડાસમાં પાંચ બુલેટ ઝડપી તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. અને આ તમામ બાઈકના સાઈલેન્સર દૂર કરવામાં આવશે. તંત્રની લાલ આંખને પગલે બુલેટચાલકોમાં ફફડાટ ફેલાયો છે.