રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમે આ વર્ષે આઈપીએલમાં દમદાર શરુઆત કરી હતી. તમામ પ્લેયર્સ ફોર્મમાં હતા. કેપ્ટન વિરાટ કોહલીએ પણ આગળ આવીને આખી ટીમને ખૂબ પ્રોત્સાહન આપ્યુ હતું. પરંતુ આટલી મહેનત પછી પણ કેપ્ટન વિરાટ કોહલીનું કેપ્ટન તરીકે ટીમને ટ્રોફી જીતાડવાનું સપનું રોળાઈ ગયું. કોલકાતા નાઈટરાઈડર્સે એલિમિનેશન મેચમાં ચાર વિકેટથી આરસીબીને હરાવીને બહારનો રસ્તો બતાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેપ્ટન વિરાટ કોહલીએ જાહેરાત કરી હતી કે આ સીઝન પછી તે આરસીબીના કેપ્ટન પદેથી રાજીનામું આપી દેશે. હવે વિરાટ કોહલી આગામી મેચમાં એક પ્લેયર તરીકે જ રમશે. લીગ સ્ટેજ પર ૧૪માંથી ૯ મેચ જીતીને ૧૮ અંકો સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્લેઓફ માટે ક્વોલિફાઈ કર્યુ હતું.
વિરાટ કોહલી, દવદત્ત પડિક્કલ, એબી ડિવિલિયર્સ, ગ્લેન મેક્સવેલ તમામ પ્લેયર્સ ફોર્મમાં હતા. પર્ફોમન્સ જાેઈને લાગતુ હતું કે આ વખતે આરસીબી ટીમ ટ્રોફી સાથે કેપ્ટન કોહલીને ફેરવેલ આપશે, પરંતુ આ શક્ય ના બન્યું. એલિમિનેટરમાં કેકેઆર સામે હાર્યા પછી વિરાટ કોહલીના ચહેરા પર નિરાશા સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. સોશિયલ મીડિયા પર મેચ પછી આરસીબીના પ્લેયર્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જાેઈ શકાય છે કે ફોટો સેશન દરમિયાન વિરાટ કોહલી ભાવુક થઈ ગયો હતો. વિરાટની સાથે સાથે એબી ડિવિલયર્સ પણ ઘણો નિરાશ જણાઈ રહ્યો હતો. વિરાટ કોહલીએ વર્ષ ૨૦૧૩માં આરસીબીનું સુકાનીપદ સંભાળ્યુ હતું. નવ વર્ષ ટીમ સાથે કેપ્ટન તરીકે રહ્યા છતાં એક પણ વાર ટ્રોફી ના જીતી શકવાનો અફસોસ વિરાટ કોહલીને હંમેશા રહેશે. જાે કે આ દરમિયાન એવુ પણ બન્યું કે ટીમ ટ્રોફીથી બિલકુલ નજીક પહોંચી ગઈ અને પછી હારનો સામનો કરવો પડ્યો. કોહલીની કેપ્ટનશિપમાં આરસીબીએ આઈપીએલમાં કુલ ૧૪૦ મેચ રમી જેમાં ૬૪ જીત્યા અને ૬૯માં હારનો સામનો કરવો પડ્યો. કોહલી કેપ્ટન તરીકે ટી૨૦ લીગના સૌથી સફળ સુકાની સાબિત થયો છે. તેણે પોતાની કેપ્ટનશિપમાં સૌથી વધારે મેચ જીતી છે.