કોરોનાના કેસ વધી જતાં કેટલાક રાજ્યોનાં પગલાં
બહારથી આવનારાના કોરોના ટેસ્ટ ઘણા રાજ્યોમાં ફરજિયાત
દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડે જાેખમી પાડોશી રાજ્યોથી આવતા મુસાફરોના ટેસ્ટ ફરજિયાત કરી નાખ્યા
કોરોનાના કેસોમાં અચાનક ફરી વધારો થતાં કેટલાક રાજ્યોમાં બહારથી આવતા લોકો પર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. હાલ કેટલાક રાજ્યના રાજ્યોએ બનાવેલા નિયમ અનુસાર, બહારના રાજ્યોમાંથી આવતા લોકોએ ફરજિયાતપણે કોરોના નેગેટિવ હોવાનો રિપોર્ટ બતાવવાનો રહેશે. છેલ્લા એક સપ્તાહમાં મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, એમપી અને પંજાબમાં જ દેશના ૮૬ ટકા કેસ સામે આવ્યા છે.
દેશમાં હાલ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેમાંથી ૭૫ ટકા તો માત્ર મહારાષ્ટ્ર અને કેરળમાં જ આવી રહ્યા છે. તેવામાં દિલ્હીએ મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, એમપી અને પંજાબથી આવતા લોકો માટે કોરોના નેગેટિવ રિપોર્ટને ફરજિયાત બનાવ્યો છે. ૨૬ ફેબ્રુઆરીથી આ નિયમ લાગુ પડી જશે, અને ૧૫ માર્ચ સુધી તેનો અમલ કરાશે. બસ, ટ્રેન કે ફ્લાઈટમાં આવતા લોકો પર આ નિયમ લાગુ કરાશે, જ્યારે કારમાં આવતા લોકોને તેમાંથી મુક્તિ અપાઈ છે
કર્ણાટકે પણ મહારાષ્ટ્ર અને કેરળમાંથી આવતા લોકો માટે કર્ણાટકમાં એન્ટ્રી લીધાના ઓછામાં ઓછા ૭૨ કલાક પહેલા કરાવાયેલો આરટી-પીસીઆર રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે, અને આ રિપોર્ટ નેગેટિવ હશે તે લોકોને જ રાજ્યમાં એન્ટ્રી મળશે. કર્ણાટક જતી ફ્લાઈટમાં બેસનારા વ્યક્તિએ તે જ વખતે એરલાઈનના સ્ટાફને આ રિપોર્ટ બતાવવો પડશે. તેવી જ રીતે ટ્રેનમાં ટીટીઈ અને બસમાં કંડક્ટરે આ રિપોર્ટ ચકાસવાનો રહેશે.
ગુજરાતના પાડોશી એવા મહારાષ્ટ્રએ ઘણા સમયથી ગુજરાત, કેરળ, ગોવા, દિલ્હી અને રાજસ્થાનથી આવતા લોકો માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. આ ટેસ્ટ મહારાષ્ટ્રના એન્ટ્રી કર્યાના ઓછામાં ઓછા ૯૬ કલાક પહેલા કરાવેલો હોવો જાેઈએ. આ સિવાય જે લોકોમાં પણ કોરોનાના લક્ષણ દેખાશે તેમનો ત્યાં જ એન્ટિજેન ટેસ્ટ કરાશે તેવું પણ મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે. જાે કોઈ ટેસ્ટ કરાવ્યા વિના આવશે અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેને કોવિડ કેર સેન્ટરમાં મોકલાશે, જેનો ખર્ચો જે-તે વ્યક્તિએ ભોગવવાનો રહેશે.
ઉત્તરાખંડે પણ મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, એમપી, છત્તીસગઢમાંથી આવતા લોકો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. હરિદ્વારમાં હાલ કુંભમેળો ચાલી રહ્યો છે, ત્યારે તેમાં ભાગ લેવા આવતા લોકોએ પણ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.