નવી દિલ્હી, 28 જાન્યુઆરી કોંગ્રેસે સંસદના બજેટ સત્ર માટે કેન્દ્ર સરકારને ઘેરી લેવાની યોજના બનાવી છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે, તે 29 જાન્યુઆરીથી શરૂ થનારા સંસદ સત્રમાં મુખ્યત્વે ત્રણ નવા કૃષિ કાયદાઓનો મુદ્દો ઉઠાવશે. તે જ સમયે, કોંગ્રેસે બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કરવાની પણ વાત કરી હતી, જેની ઘણી ટીકા પણ કરવામાં આવી રહી છે.
રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે ગુરુવારે કહ્યું હતું કે,’ સંસદના આ સત્રમાં ખેડૂત આંદોલન અને મજુરો ની ઉપેક્ષાના મુદ્દા જોરદાર રીતે ઉઠાવવામાં આવશે.’ તેમણે કહ્યું કે,’ વિપક્ષના 16 પક્ષો એકઠા થશે અને 29 જાન્યુઆરીએ યોજાનારા રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કરશે. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે, સંસદ માં વિરોધ પક્ષો ની ગેરહાજરીમાં કૃષિ કાયદો બળપૂર્વક પસાર કરવામાં આવ્યો છે. આ હોવા છતાં રાષ્ટ્રપતિએ વિપક્ષ તરફ ધ્યાન આપ્યું ન હતું.’
રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કરતા રાજકીય પક્ષોમાં કોંગ્રેસ સાથે એનસીપી, શિવસેના, ટીએમસી, ડીએમકે, જેકેએએસ, સમાજવાદી પાર્ટી, આરજેડી, સીપીઆઈએમ, સીપીઆઇ, આઈયુએમએલ, આરએસપી, આરડીપી, એમડીએમકે, કેરળ કોંગ્રેસ, એઆઈયુડીએફનો સમાવેશ થાય છે.
તે જ સમયે, મેરઠના કોંગ્રેસના સાંસદ રાજેન્દ્ર અગ્રવાલે રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કરવા બદલ કોંગ્રેસની આલોચના કરી છે. તેમણે કહ્યું છે કે, ‘વિપક્ષનો નિર્ણય નિંદાકારક છે. તેમણે પૂછ્યું કે, કૃષિ બિલ પસાર કરતી વખતે સંસદને બંધક બનાવી હતી .. અથવા વિપક્ષને બોલતા અટકાવવામાં આવ્યા હતા કે કેમ ? વિરોધ પક્ષ પોતે જ ગૃહમાંથી બહાર નીકળી ગયો હતો. આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ પ્રત્યે વિપક્ષનું વલણ લોકશાહી માન્યતાઓ અને સંસદીય કામગીરીનું અપમાન છે.’
નોંધનીય છે કે, 29 જાન્યુઆરીથી શરૂ થતા બજેટ સત્ર દરમિયાન, નાણાકીય વર્ષ 2021-22 માટેનું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે. બે તબક્કાના બજેટ સત્ર 8 મી એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે બીજો તબક્કો 8 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે.