રશિયાએ ભારતને એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની પહેલી ખેપ મોકલી દીધી છે. કોઈ પણ પ્રકારના હવાઈ હુમલાનો સામનો કરવા માટે સક્ષમ એસ-૪૦૦ મિસાઈલને પંજાબ સેક્ટર ખાતે તૈનાત કરવામાં આવી છે જ્યાંથી ચીન અને પાકિસ્તાનની કોઈ પણ હરકતનો જવાબ આપી શકાશે. સરકારી સૂત્રોના કહેવા પ્રમાણે એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમને પંજાબ સેક્ટરમાં તૈનાત કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે, મિસાઈલ સિસ્ટમના પાર્ટ હવાઈ અને સમુદ્રી માર્ગે ભારત પહોંચ્યા છે અને તેને શક્ય તેટલી ઝડપથી નિશ્ચિત જગ્યાઓએ તૈનાત કરવામાં આવશે. મિસાઈલ સિસ્ટમની પહેલી સ્ક્વોડ્રન આ વર્ષના અંત સુધીમાં ભારતને મળી જશે. ત્યાર બાદ ઈસ્ટર્ન ફ્રન્ટ પર ફોકસ કરવામાં આવશે. આ મિસાઈલ જમીન પરથી હવામાં પ્રહાર કરે છે માટે ભારતની મારક ક્ષમતા વધુ મજબૂત બની જશે. એસ-૪૦૦માં સુપરસોનિક અને હાઈપર સોનિક મિસાઈલ્સ હોય છે જે ટાર્ગેટને ભેદવામાં માહેર છે.
એસ-૪૦૦ વિશ્વના સૌથી આધુનિક હથિયારોમાં આવે છે. આ મિસાઈલ દુશ્મનોના ફાઈટર વિમાનો, ડ્રોન, મિસાઈલ્સ અને ત્યાં સુધી કે સંતાયેલા વિમાનોને મારવા માટે પણ સક્ષમ છે. તેની મદદથી રડારમાં પકડમાં ન આવે તેવા વિમાનોને પણ મારી શકાશે. એસ-૪૦૦ના લોન્ચરમાંથી ૩ સેકન્ડમાં ૨ મિસાઈલ્સ છોડી શકાશે. તેમાંથી છૂટેલી મિસાઈલ્સ ૫ કિમી પ્રતિ સેકન્ડની ગતિ ધરાવે છે અને ૩૫ કિમીની ઉંચાઈ સુધી વાર કરી શકે છે. તેના આવવાથી ભારતની ઉત્તરી, પૂર્વીય અને ઉત્તર પશ્ચિમી સરહદને સુરક્ષા મળશે. ભારતે એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ માટે ઓક્ટોબર ૨૦૧૯માં રશિયા સાથે સમજૂતી કરી હતી જેના અંતર્ગત ૫.૪૩ અબજ ડોલર (આશરે ૪૦ હજાર કરોડ રૂપિયા)માં ૫ એસ-૪૦૦ રેજિમેન્ટ ખરીદવામાં આવશે.